સોનગઢના ઐતિહાસિક કિલ્લાના સાનિધ્યમાં ૩૧માં રાજ્યકક્ષાના આદિજાતિ મહોત્સવ-૨૦૨૬ નો રંગેચંગે પ્રારંભ…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સોનગઢ

યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને સોનગઢના ઐતિહાસિક કિલ્લાના સાનિધ્યમાં સાર્વજનિક હાઈસ્કૂલના પટાંગણમાં ગુજરાતના ભવ્ય આદિવાસી કલા-સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરવાના ઉમદા આશય સાથે ૩૧મા રાજ્યકક્ષાના આદિજાતિ મહોત્સવ-૨૦૨૬ ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, સરકાર આવા મહોત્સવો દ્વારા આદિવાસી કલાકારોને વૈશ્વિક મંચ પૂરો પાડવા માટે કટિબદ્ધ છે, જેથી નવી પેઢી પોતાની મૂળ સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે મજબૂતીથી જોડાયેલી રહે… આદિવાસી સંસ્કૃતિ એ પ્રકૃતિ સાથેના અતૂટ જોડાણનું પ્રતીક છે. સોનગઢના આંગણે આયોજિત આ ઉત્સવ માત્ર મનોરંજન નથી, પરંતુ આપણી ભવ્ય વિરાસતને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક સશક્ત માધ્યમ છે.

તા. ૧૪-૧૫ બે દિવસીય આ સાંસ્કૃતિક મહાકુંભમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી પધારેલા કલાકારો દ્વારા પ્રસ્તુત લોકસંગીત અને પારંપરિક નૃત્યોએ પ્રથમ દિવસે જ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આદિવાસી સમાજની જીવનશૈલીને ઉજાગર કરતી કલા કૃતિઓ અને વિવિધ નૃત્યોની પ્રસ્તુતિએ પ્રેષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

મહોત્સવમાં આદિવાસી સંસ્કૃતિના વિવિધ વ્યંજનો પીરસતા ‘ટ્રાયબલ ફૂડ સ્ટોલ્સ’ પણ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા, જ્યાં લોકોએ પારંપરિક આહારનો રસાસ્વાદ માણ્યો હતો.

આ ભવ્ય મહોત્સવનું આયોજન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તેમજ જિલ્લા વહીવટી તંત્ર, તાપીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર આર. આર. બોરડ, નગરપાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ, પદ્મશ્રી રમીલાબેન ગામીત, પ્રાંત અધિકારી સંદીપભાઈ ગાયકવાડ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, આમંત્રિતો, આગેવાનો, વડીલો, મોટી સંખ્યામાં કલાપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

Leave a Comment

और पढ़ें