વલસાડ:
જિલ્લાના રોલા ગ્રામ પંચાયત સ્ટેટમાં વિકાસ કામોના નામે નાણાકીય ગેરરીતિ થઈ હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે મહિલા સરપંચની ગેરહાજરીનો ગેરલાભ ઉઠાવી, તેમની નકલી સહીઓ કરીને સરકારી તિજોરીમાંથી નાણાં સેરવી લેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, રોલા ગામના વિકાસ માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાં મોટા પાયે ગોટાળા થયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે મહિલા સરપંચ હાજર નહોતા, ત્યારે તેમની જાણ બહાર જ ચેકો કે અન્ય દસ્તાવેજો પર તેમની **બોગસ સહી** કરવામાં આવી હતી. આ સહીઓના આધારે સરકારી રકમ ઉપાડીને અંગત સ્વાર્થ માટે વાપરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે.
ગ્રામજનોએ સીધો આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર કારસ્તાન પાછળ ડેપ્યુટી સરપંચ અને પંચાયતના કેટલાક વગદાર સભ્યોની મિલીભગત છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સત્તાના નશામાં ચૂર આ સભ્યોએ પંચાયતના નીતિ-નિયમોને નેવે મૂકીને વિકાસ કામોના નામે મળેલા નાણાંની બારોબાર વહીવટ કરી લીધો છે.
“વિકાસના કામો માત્ર કાગળ પર રહી ગયા છે અને નાણાં અધિકારીઓ અને સભ્યોના ખિસ્સામાં ગયા છે. મહિલા સરપંચની સહી પણ નકલી કરવામાં આવી છે, જે ફોરેન્સિક તપાસનો વિષય છે.”
આ કૌભાંડ સામે આવ્યા બાદ રોલા ગામના જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીછે અને જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો યોગ્ય તપાસ કરવામાં આવે તો હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.
હવે જોવાનું એ રહેશે કે વલસાડ જિલ્લા વિકાસ તંત્ર આ મામલે કેટલી ઝડપથી તપાસના ચક્રો ગતિમાન કરે છે અને દોષિતો સામે કેવા પગલાં ભરે છે.









