તાપી વ્યારા
તાપી જિલ્લાની મહિલાઓનો સામાજિક, આર્થિક અને સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તાપી જિલ્લામાં તા. ૦૧ થી ૦૮ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન નારી વંદન ઉત્સવની ઉજવણી કરાશે.
આ ઉજવણી અંતર્ગત જિલ્લામાં તા.૧ ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસ, તા.૩ ઓગસ્ટે બેટી બચાવો બેટી પઢાવો દિવસ, તા.૪ ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ, તા.૫ ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ, તા.૬ ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ, તા.૭ ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ અને તા.૮ ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસ તરીકે જિલ્લાના વિવિધ સ્થળોએ ઉજવણી હાથ ધરાશે.
મહિલા અને બાળ અધિકારીની કચેરી – તાપીના સંકલન હેઠળ યોજાનારા આ વિવિધ થીમ આધારિત કાર્યક્રમોમાં મહિલાઓની સુરક્ષા, સ્વાવલંબન અને સ્વાસ્થ્ય બાબતે જાગૃતિ લાવવા પોલીસ, શિક્ષણ, આરોગ્ય, આઈ.સી.ડી.એસ., ગ્રામ વિકાસ, રોજગાર અને તાલીમ, સમાજ કલ્યાણ તેમજ લીડ બેન્ક સહિતના તમામ સંબંધિત સરકારી વિભાગો સક્રિય રીતે સહભાગી થશે.









