બલેશ્વર હાઇવે પરથી મોટરસાઇકલ પર મોબાઇલ્સ સ્નેચિંગ કરતી ગેંગના ૩ સાગરીતો ૮ મોબાઇલ સાથે ઝડપાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત

નેશનલ હાઇવે નંબર ૪૮ પર ચાલતા જતા રાહદારીઓના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવી લેતી ગેંગનો સુરત ગ્રામ્ય એલ.સી.બી. (LCB) ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે બલેશ્વર ગામની સીમમાંથી ૩ આરોપીઓને ૮ ચોરીના મોબાઇલ ફોન અને બાઇક મળી કુલ ₹૪૧,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઇલ સ્નેચિંગનો ગુનો ડીટેક્ટ કર્યો છે.

સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત LCB પો.ઇન્સ. એન.જી. પાંચાણીની સૂચનાથી LCB ની ટીમો પેટ્રોલિંગમાં હતી.

LCB ના અ.હે.કો. ચિરાગભાઈ જયંતિભાઈ અને અ.હે.કો. પ્રહલાદસિંહ ભુપતસિંહને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, ૩ ઇસમો એક પેશન પ્રો બાઇક (GJ-19-AC-4277) પર સવાર થઈ નેશનલ હાઇવે ૪૮ પર બલેશ્વર ગામની સીમમાં શિવશક્તિ હોટલ નજીક સર્વિસ રોડ પર સ્નેચિંગ કરેલા મોબાઇલ વેચવા માટે ભેગા થયા છે. બાતમીના આધારે LCB PSI એચ.સી. મસાણી અને તેમની ટીમે ત્વરિત દરોડો પાડી ત્રણેય ઇસમોને કોર્ડન કરીને પકડી પાડ્યા હતા.

પોલીસે ત્રણેયની કડક પૂછપરછ કરતાં તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ બાઇક પર નીકળી રસ્તા પર ચાલતા જતા લોકો પાસેથી મોબાઇલ ઝૂંટવી લેતા હતા અને આજે તે ચોરેલા મોબાઇલ વેચવા માટે એકઠા થયા હતા. પોલીસે તેમની પાસેથી:

<span;><span;>* અલગ-અલગ કંપનીના સ્નેચિંગ કરેલા કુલ ૮ મોબાઇલ ફોન(કિંમત ₹૧૬,૦૦૦)

<span;><span;>* ગુનામાં વપરાયેલ હીરો પેશન પ્રો મોટરસાઇકલ (કિંમત ₹૨૫,૦૦૦)

કુલ ₹૪૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓના નામ:

૧. કિશન શિવજી કમલા ઠાકુર (ઉં.વ. ૧૯)- રહે. વિજય નગર, ચલથાણ, તા. પલસાણા (મૂળ રહે. બલિયા, યુ.પી.)

૨. આયુષસિંગ શૈલેષસિંગ રાજપુત (ઉં.વ. ૨૦) – રહે. સરદાર હાઉસીંગ સોસાયટી, કડોદરા, તા. પલસાણા (મૂળ રહે. વારાણસી/બનારસ, યુ.પી.)

૩. દિવ્યાંશ મુકુંદસિંગ રાજપુત (ઉં.વ. ૧૯) – રહે. અંબિકા નગર, ચલથાણ, તા. પલસાણા (મૂળ રહે. જૌનપુર, યુ.પી.)

આરોપીઓ વિરુદ્ધ પલસાણા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૩૦૪(૨) અને ૫૪ હેઠળ ગુનો (ગુ.ર.નં-૧૧૨૧૪૦૪૬૨૬૧૪૧૬/૨૦૨૬) નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીઓનો કબ્જો પલસાણા પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ સફળ કામગીરી LCB PI એન.જી. પાંચાણી, PSI એચ.સી. મસાણી, ASI શૈલેષભાઈ માનસીંગભાઈ, અ.હે.કો. ચિરાગભાઈ અને અ.હે.કો. પ્રહલાદસિંહ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.

Leave a Comment

और पढ़ें