
વ્યારા વિકાસ શાહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પઢાઈ ભી, પોષણ ભી’ વિઝનને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે ગુજરાત સરકાર દ્વારા ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. બાળકો રાષ્ટ્રની અણમોલ મૂડી છે અને તેમના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે ઉત્તમ સ્વાસ્થ્ય અનિવાર્ય હોવાથી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ યોજના રાજ્યભરમાં બહુમૂલ્ય સાબિત થઈ રહી છે.
તાપી જિલ્લામાં આ યોજના હેઠળ ૭૯૫ શાળાઓના ૬૧,૭૧૨ થી વધુ બાળકો દરરોજ ગરમાગરમ અને પોષણયુક્ત નાસ્તાનો લાભ મેળવી રહ્યા છે, જેનાથી શિક્ષણના પાયાની સાથે સ્વાસ્થ્યનો પાયો પણ મજબૂત બની રહ્યો છે. આ યોજના હેઠળ તૈયાર કરવામાં આવેલ મેનુમાં બાળકોના શારીરિક અને માનસિક વિકાસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. શાળામાં બાળકોને સુખડી, ચણાચાટ, મિક્સ કઠોળ અને ‘શ્રી અન્ન’ (મિલેટ્સ) જેવી પોષક તત્વોથી ભરપૂર સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવે છે.
આ પૌષ્ટિક આહારને કારણે બાળકોમાં લોહતત્વના સ્તરમાં વધારો નોંધાશે અને યોગ્ય પોષણ મળવાથી અભ્યાસ દરમિયાન તેમની એકાગ્રતા અને યાદશક્તિમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળશે. સ્વાદિષ્ટ મેનુના કારણે બાળકોમાં પણ અલ્પાહાર પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાપી જિલ્લામાં આ યોજનાની અસર માત્ર પોષણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેનાથી શાળાઓમાં બાળકોની નિયમિત હાજરીમાં પણ વધારો નોંધાયો છે.
શિક્ષણ અને પોષણનો આ અનોખો સંગમ રાજ્યની ૩૨,૨૦૦થી વધુ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ૪૦ લાખથી વધુ વિદ્યાર્થીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે. આ પહેલથી ગુજરાતના બાળકોના પોષણ સ્તરમાં વૃદ્ધિ થશે, જે અંતે રાજ્યના અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનું પગલું સાબિત થશે.
તા. ૨૫ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીજી
ની ૧૦૦મી જન્મજયંતી છે. જેની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા સુશાસન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સુશાસનથી ગુજરાતની વિકાસ યાત્રાને ગતિ મળી છે. ગુજરાત સરકારે અનેક જન કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે, જેમાની આ એક યોજના ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ છે, જેને બાળકોના શિક્ષણની સાથે પોષણ પર વિશેષ ભાર આપ્યો છે.







