વ્યારા વિકાસ શાહ
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), વ્યારા ખાતે ૨૩ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ. આર. શર્માના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના ૧૦૧ જેટલા ખેડૂતો અને કૃષિ અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. સી. ડી. પંડ્યાએ પૂર્વ વડાપ્રધાન સ્વ. ચૌધરી ચરણસિંહના કૃષિ ક્ષેત્રે રહેલા અતુલ્ય યોગદાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જિલ્લા ખેતી અધિકારી સી.સી.
ગરાસિયા એ કૃષિલક્ષી સરકારી યોજનાઓ વિશે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વૈજ્ઞાનિક ડૉ. અર્પિત જે. ઢોડિયા એ પણ ખેડૂતોને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા અને સ્વચ્છતા જાળવવા સામુહિક શપથ લેવડાવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ડૉ. એચ. આર. જાદવે શિયાળુ પાકો અને પ્રાકૃતિક ખેતીમાં રોગ-જીવાત વ્યવસ્થાપન, પ્રો. આરતી એન. સોનીએ મહિલા ઉદ્યોગ સાહસિકતા અને ડૉ. જે. બી. બુટાણી એ આદર્શ પશુપાલન અને પૂરક આવક મેળવવાના સ્ત્રોતો વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોએ ભારત સરકારના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગે તાપી જિલ્લાના ૧૦ પ્રગતિશીલ ખેડૂતોનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વૈજ્ઞાનિક ડૉ. અર્પિત જે. ઢોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.







