વ્યારા વિકાસ શાહ
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઘાટા ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રો. સુરેશચંદ્ર ગામીત પોતાના ‘શ્રી સર્જનહાર ફાર્મ’ દ્વારા સંપૂર્ણપણે રસાયણ અને ઝેર મુક્ત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તાજેતરમાં વ્યારા ખાતે યોજાયેલા ‘સશક્ત નારી મેળા’માં ખેતીવાડી વિભાગ દ્વારા તેમને એક વિશેષ સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો. આ મંચ પર તેમની મહેનતને જનતાનો ભારે પ્રતિસાદ મળ્યો હતો. જેના પરિણામે તેમણે માત્ર ત્રણ જ દિવસમાં રૂ. ૨૦ હજારની કમાણી કરીને અન્ય ખેડૂતો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તેમના ફાર્મ પર કેળા, જામફળ જેવી બાગાયતી ખેતીની સાથે સાથે હળદર, તુવેર, ચોખા, આંબા મોર, કઠોળ અને તાજા શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી આ ખેત પેદાશોને રાસાયણિક ખાતર વગર તૈયાર કરવામાં આવતી હોવાથી મેળામાં આવેલા ગ્રાહકોએ હોંશે-હોંશે ખરીદી કરી હતી.
માત્ર ત્રણ જ દિવસના ટૂંકા ગાળામાં તેમણે ૨૦ હજાર રૂપિયા જેટલું સીધું વેચાણ કર્યું છે. આ બાબત સ્પષ્ટ છે કે, લોકો પ્રાકૃતિક ખેતપેદાશો તરફ વળી રહ્યા છે. ગ્રાહકોમાં પ્રાકૃતિક ફળ-ફળાદી અને શાકભાજી પ્રત્યે બદલાયેલો આ હકારાત્મક અભિગમ આવનારા સમયમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સમૃદ્ધિના દ્વાર ખોલશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. 








