નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ડોલવણ ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી જિલ્લાના ડોલવણ ખાતે યોજાયેલી જન જાતિય ગૌરવ યાત્રા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માન.નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના અવસરે “જન જાતિય ગૌરવ વર્ષ ઉત્સવ” અંતર્ગત, તા. ૭ થી ૧૩ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ઉમરગામ થી એકતાનગર સુધી જનજાતિય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અવસરે તા. ૦૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ તાપી જિલ્લાના ડોલવણ ખાતે યોજાયેલી જન જાતિય ગૌરવ યાત્રા કાર્યક્રમમાં, ગુજરાત રાજ્યના માન. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી અને પ્રકૃતિપ્રેમી આદિવાસી સમુદાયને સંબોધ્યા હતાં.

આ રથ યાત્રામાં આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી તથા તાપી જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ સહિત રમત ગમત વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત પણ સહભાગી થયા હતા.

જન જાતિય ગૌરવ યાત્રા કાર્યક્રમમાં સહભાગી થયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે,દુનિયાના લોકોને જો આપણા આદિજાતિ સમાજની બોલી, ભાષા અને સંસ્કૃતિની સમૃદ્ધિ સમજવી હોય, તો તેમને માત્ર આ જિલ્લામાં આવવું પૂરતું છે. અહીં કોંકણી, ગામીત, ચૌધરી, દોઢિયા જેવી અનેક ભાષા બોલનારા સમાજો વસે છે. ભાષામાં વૈવિધ્ય હોવા છતાં સૌના હૃદયમાં લાગણીઓ એક છે. દુનિયાના કોઈપણ ખૂણામાં કોઈપણ સમાજની સૌથી મોટી તાકાત તેનો સ્વભાવ અને મિઠાશ છે. આપણા આદિવાસી ભાઈ-બહેનો મહેનતુ, દેશભક્ત અને જમીન સાથે જોડાયેલા છે, આ સંસ્કૃતિને હું હૃદયપૂર્વક વંદન કરું છું.

તેમણે જણાવ્યું કે, તાપી જિલ્લાના ડોલવણ ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી આ જન જાતિય ગૌરવ યાત્રા દક્ષિણથી ઉત્તર દિશા સુધી પ્રસરી રહી છે. આ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ આદિવાસી સમાજ માટે ઉત્સવ સમાન છે. જ્યાં જ્યાં યાત્રા પહોંચી છે, ત્યાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભગવાન બિરસા મુંડાને વંદન કરીને યાત્રાનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે.

હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, જન પ્રતિનિધિઓએ હંમેશા લોક હિતમાં કાર્ય કરીને આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે પરિણામલક્ષી પગલાં લીધા છે. નાનામાં નાના માણસના પ્રશ્નોને વાચા આપી, તેમના ઉકેલ માટે સરકારે મક્કમતાથી નિર્ણયો કર્યા છે.

ભગવાન બિરસા મુંડાજીની યાદમાં જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે આભાર વ્યક્ત કરતાં તેમણે વધુમાં જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ તા. ૧૫ નવેમ્બરના રોજ દેશભરમાં ધામધૂમથી ઉજવાશે. તે દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેવમોગરા ના દર્શન માટે તથા નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે યોજાનારી જન જાતિય દિવસની મુખ્ય ઉજવણીમાં પધારશે.

આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા, વ્યારા ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, જિલ્લા કલેકટર ડૉ.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલીયા,નાયબ વનસંરક્ષક સચિન ગુપ્તા, પ્રાયોજના વહીવટદાર જયંતસિંહ રાઠોર, રથયાત્રા સાથે પધારેલ મહાનુભાવો, તાપી જિલ્લાના અન્ય પદાઅધિકારીઓ – અધિકારીઓ અને મોટી સંખ્યામાં તાપીના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें