આ પ્રસંગે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ટૂંક જ સમયમાં ચોરીનો ભેદ ઉકલી ભોગ બનેલા વ્યારાના પરિવારને તમને સોનાના દાગીના અને રોકડ રકમ નાયબ મંત્રીએ અર્પણ કરી હતી.
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તા. ૦૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ઉચ્છલ તાલુકા ખાતે નવીન સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું.
અંદાજિત રૂ. ૭ કરોડના ખર્ચે નિર્મિત આધુનિક ન્યાય મંદિર તાપી જિલ્લાના નાગરિકોને સમર્પિત
આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આજે આપણે સૌ ન્યાયના મંદિરના લોકાર્પણ ના આ ઐતિહાસિક પ્રસંગે એવા પ્રદેશમાં ઉપસ્થિત છીએ, જે ગુજરાત–મહારાષ્ટ્રની સરહદ પર આવેલો છે. આ વિસ્તાર ગુજરાત રાજ્યમાં પ્રવેશતા સૌપ્રથમ તાલુકા તરીકે અનોખી ઓળખ ધરાવે છે.
મહારાષ્ટ્રની બોર્ડર થી ગુજરાતમાં પ્રવેશતા માત્ર થોડા જ અંતરે આવેલું આ ન્યાયમંદિર એક પ્રકારથી ‘ગુજરાતમાં પ્રવેશતાં ન્યાયના પ્રથમ દ્વાર તરીકે જોઈ શકાય.
આ વિસ્તારની વિશિષ્ટતા એ છે કે અહીંના રેલવે પ્લેટફોર્મ પર એક બાજુ ‘ગુજરાત’ અને બીજી બાજુ ‘મહારાષ્ટ્ર’ લખેલું છે, એટલે કે એક જ પ્લેટફોર્મ પરથી બે રાજ્યોને જોઈ શકાય છે. કાયદા વ્યવસ્થાની દૃષ્ટિએ આવા વિસ્તારનું સંચાલન હંમેશા પડકારરૂપ રહે છે, છતાં તાપી જિલ્લાના ન્યાયતંત્રે તે જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે.
નવા સિવિલ કોર્ટ ભવન વિશે જણાવતાં તેમણે કહ્યું કે, આ ભવન માત્ર વકીલો કે ગુનેગારો માટે નથી, પરંતુ સામાન્ય નાગરિકો, ખાસ કરીને મહિલાઓ માટે સુવિધાસભર રીતે તૈયાર કરવામાં આવ્યું છે. સાક્ષી તરીકે આખો દિવસ કોર્ટમાં રહેવા પડતાં લોકો માટે પણ યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. સરકાર અને ન્યાયતંત્ર મળીને નાગરિકોને વધુ સગવડતા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.
દરેક નાગરિકને ઝડપી, સરળ અને પારદર્શક ન્યાય મળવો એ બંધારણીય અધિકાર છે. આ અધિકારની પૂર્તિ માટે સરકાર અને ન્યાયતંત્ર ખભે ખભા મિલાવી સતત કાર્યરત છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર ટ્રાન્સપેરન્સી, ઈફિશિયન્સી અને ગુડ ગવર્નન્સ માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપી રહી છે. આ દિશામાં ગુજરાતની ન્યાયપાલિકા એ અગ્રણી ભૂમિકા ભજવી છે. ગુજરાત પહેલું રાજ્ય બન્યું છે જ્યાં હાઈકોર્ટની કાર્યવાહી યુટ્યુબ પર લાઈવ ટેલિકાસ્ટ કરીને પારદર્શિતાનું અનોખું ઉદાહરણ આપ્યું છે.











