સોનગઢ


સોનગઢના ઐતિહાસિક કિલ્લાના સાનિધ્યમાં સાર્વજનિક હાઈસ્કૂલના પટાંગણમાં તા. ૧૪ અને ૧૫ દરમિયાન યોજાયેલ ૩૧મો રાજ્યકક્ષાનો આદિજાતિ મહોત્સવ-૨૦૨૬ ભવ્યતા અને ઉત્સાહ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર, તાપીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ બે દિવસીય મહોત્સવે આદિવાસી કલા, સંસ્કૃતિ અને પરંપરાની અનોખી ઝલક દર્શવી હતી.
બે દિવસ સુધી ચાલેલા આ મહોત્સવમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પધારેલા કલાકારો દ્વારા લોકસંગીત, પરંપરાગત નૃત્યો અને આદિવાસી જીવનશૈલી દર્શાવતી કલાત્મક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત પ્રેક્ષકોએ ભારે ઉત્સાહ સાથે નિહાળી હતી. રંગબેરંગી વેશભૂષા, લોકવાદ્યોના તાલ અને ઊર્જાસભર નૃત્યો દ્વારા સમગ્ર મેદાનમાં અનોખો સાંસ્કૃતિક માહોલ સર્જાયો હતો.
મહોત્સવ દરમિયાન આયોજિત ટ્રાયબલ ફૂડ સ્ટોલ્સ પણ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જ્યાં લોકોએ આદિવાસી સમાજના પરંપરાગત વ્યંજનોનો રસાસ્વાદ માણ્યો હતો.આ સાથે લોકલ ફોર વોકલને ચરિતાર્થ કરતા વિવિધ વસ્તુઓના સ્ટોલ પણ ઉભા કરાયા હતા.
મહોત્સવ દરમિયાન તાપી જિલ્લાના નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કલાકારોના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને આદિવાસી કલા-સંસ્કૃતિની રંગબેરંગી રજૂઆતોને દિલખોલીને બિરદાવી હતી.









