વાલોડ


રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે રવિવારે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના નાલોઠા ખાતે રૂ. ૫૧.૩૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ‘આદર્શ નિવાસી શાળા (મિશ્ર)’ નું ખાતમૂહૂર્ત કરતા જણાવ્યું કે, આજે આપણો ભારત દેશ વિશ્વના શક્તિશાળી દેશોની સાથે અગ્ર હરોળમાં છે, આદિવાસી સમાજ પણ વિકાસની આ વણથંભી યાત્રામાં સક્રિય સહભાગી બન્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા અભિયાનોથી ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે અને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. તેમણે નિર્માણ પામવા જનાર શૈક્ષણિક સંકુલની ખાસિયતો વર્ણવતા કહ્યુ કે, ૨૦ હજાર ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર થનાર નવું શૈક્ષણિક સંકુલમાં ૪૮૦ વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ક્લાસરૂમ અને લાઈબ્રેરીની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત, કેમ્પસમાં જ ૧૬૦ કુમાર અને ૧૬૦ કન્યાઓ મળી કુલ ૩૨૦ વિદ્યાર્થીઓ માટે સુવ્યવસ્થિત હોસ્ટેલ, કિચન, ડાયનિંગ હોલ અને સ્ટાફ ક્વાર્ટર્સ જેવી પાયાની સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો આધાર બનશે.
આ તકે રમતગમત, ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, આ સંકુલ આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સપનાઓને પાંખો આપશે. સરકારે શિક્ષણ, આરોગ્ય સહિત છેવાડાના માનવી સુધી લાભ મળે તે માટે કટિબદ્ધ છે.
કાર્યક્રમના પ્રારંભે જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ અને મહાનુભાવોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે આદર્શ નિવાસી શાળાનું ભૂમિપૂજન કરાયું હતું. તેમજ કાર્યક્રમમાં આદિવાસી કલાકારોએ પરંપરાગત નૃત્યોની મનમોહક પ્રસ્તુતિ કરી આદિવાસી સંસ્કૃતિની ઝલક દર્શાવી હતી.
આ પ્રસંગે મંત્રીના હસ્તે યોજનાકીય લાભાર્થીઓને લાભનું વિતરણ કરાયુ હતુ, ઉપરાંત, સખી મંડળોને પણ આર્થિક સહાયના ચેક અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, ધારાસભ્ય સર્વ મોહનભાઈ ઢોડીયા, વાલોડ તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબેન રાઠોડ, જિલ્લા અગ્રણી સૂરજભાઈ વસાવા, પ્રાયોજના વહીવટદાર જયંતસિંહ રાઠોર, વ્યારા પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ, નાલોઠા સરપંચ વિજયભાઈ ચૌધરી, જિલ્લાના અગ્રણીઓ, આમંત્રિતો, શિક્ષણજગત સાથે સંકળાયેલા આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, બાળકો-મહિલાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.










