સોનગઢ


સોનગઢ રંગ ઉપવન ખાતે આયોજિત સ્વદેશી મેળો 2026 માં કાપડની થેલીનું પ્રદર્શન ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. મહાકાલી માં સખીમંડળ દ્વારા તૈયાર કરાયેલી આ કાપડની થેલીઓ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન સાથે સંપૂર્ણ રીતે જોડાયેલી છે.
મહાકાલી માં સખીમંડળના પ્રમુખ મનીષાબેન બી. પાટીલે જણાવ્યું કે, આ કાપડની થેલી પર્યાવરણહિતેષી અભિગમ સાથે મહિલા સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપે છે. દરેક થેલીની ખરીદી સ્થાનિક સ્તરે મહિલાઓને આવક પૂરી પાડે છે અને તેમના માટે સ્વાવલંબનના અવસરો ઊભા કરે છે. અમારું જુથ કાપડની થેલીઓ તૈયાર કરીને રોજગારીની તકો ઊભી કરે છે. આથી મહિલાઓ પગભર બને છે અને પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે.
અમારો મુખ્ય આશય પર્યાવરણને હાનિ પહોંચાડતી પ્લાસ્ટિક બેગનો વપરાશ ઘટાડી, પુનઃ વપરાશ કરી શકાય તેવી કાપડની થેલીઓ દ્વારા જનજાગૃતિ લાવવાનો છે. આ જ હેતુથી સોનગઢ નગરપાલિકા આયોજિત ‘સ્વદેશી મેળા’માં અમે નાગરિકોને કાપડની થેલીઓનું નિશુલ્ક વિતરણ કરી રહ્યા છીએ, જેથી ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરી શકાય.
સ્ટોલમાં પ્રદર્શિત કરવામાં આવેલી કાપડની થેલીઓનું મહત્વ આજના સમયમાં વધુ છે, જ્યારે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ વ્યાપક છે. આ થેલી ફરી વાપરી શકાય તેવા ટકાઉ સામગ્રીની હોવાથી ફેશન અને ઉપયોગ બંને માટે અનુકૂળ છે. આ પ્રકારના સ્વદેશી ઉત્પાદનો વોકલ ફોર લોકલ અભિયાનને મજબૂત બનાવે છે અને સ્થાનિક હસ્તકલા ક્ષેત્રને જીવંત રાખે છે.
સ્થાનિક ચીજવસ્તુઓ, પર્યાવરણ સંરક્ષણ અને મહિલાઓના સશક્તિકરણનો સંદેશ આપતા સ્ટોલ્સ સ્વદેશી મેળાનું કેન્દ્ર છે. જેના માધ્યમથી સ્થાનિક સ્તરે જાગૃતતા પણ વધે છે. કાપડની થેલીની વાત કરીએ તો લોકોના રોજિંદા જીવનમાં નાના પરિવર્તનથી મોટી બદલાવ લાવવા આવા અભિગમો પરિણામલક્ષી સાબિત થાય છે.








