વ્યારા


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોર સી. પોરિયા અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં, શ્રી ૨.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત વ્યારાની આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે એક દિવસીય નેશનલ સેમિનાર યોજાયો હતો.
આ પ્રસંગે કુલપતિ ડો. પોરિયાએ જણાવ્યું કે, આદિવાસી સમાજની જીવનશૈલી સંપૂર્ણપણે પ્રકૃતિ સાથે જોડાયેલી છે. તેમની પરંપરાઓમાં વિજ્ઞાન અને પર્યાવરણ જાળવણીના અનેક ગહન પાસાઓ સમાયેલા છે. આવા સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓ અને સંશોધકોમાં આદિવાસી વારસા પ્રત્યે જાગૃતિ આવશે, જેનાથી નવી પેઢી આ ભવ્ય સાંસ્કૃતિક વારસાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજતી થશે.
નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત અને RUSA ના સંયુક્ત ઉપક્રમે ‘ભારતીય જ્ઞાન પરંપરા – દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના વિધિ-વિધાન અને સંસ્કૃતિ’ વિષયક સેમિનારને સંબોધતા વધુમાં ડો. પોરિયાએ ઉમેર્યુ કે, આદિવાસી વાદ્યશૈલી, નૃત્ય અને ચિત્રકલા અત્યંત અનોખી છે. ખાસ કરીને વારલી ચિત્રકલા, આદિવાસી સંસ્કૃતિમાં રહેલી ગણિત અને ભૂમિતિ પ્રત્યેની પ્રાચીન તેમજ ઊંડી સમજનો જ્વલંત પુરાવો છે. પ્રકૃતિ પ્રેમી આદિવાસીઓના દરેક ચિત્રમાં કુદરત પ્રત્યેનું સન્માન અને તેના જતનનો સંદેશ સ્પષ્ટપણે ઝળકે છે.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતની ઓળખ તેની આદિવાસી અસ્મિતા સાથે જોડાયેલી છે. આદિવાસી સમાજની પરંપરાગત વિધિઓ અને રીત-રિવાજો માત્ર ધાર્મિક માન્યતાઓ નથી પરંતુ તે સામાજિક એકતાનું પ્રતિક છે.
આ તકે ધારાસભ્ય મોહનભાઈ કોંકણીએ પણ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને પ્રેરક ઉદ્બોધન કર્યુ હતુ. કોલેજના આચાર્ય ડૉ. હિતેન્દ્રસિંહ ખરવાસિયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ.
સેમિનારના મુખ્ય વક્તા તરીકે નાસિકની કોલેજના ડૉ. ભાગવત શંકર મહાલેએ મહત્વપૂર્ણ પ્રવચન આપ્યું હતું. આ ઉપરાંત ડૉ. પુડલિક પવાર, ડૉ. જયંતીભાઈ ચૌધરી અને ડૉ. રાજેશભાઈ પટેલે પણ વિષય નિષ્ણાત તરીકે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. બે સત્રમાં યોજાયેલા સેમિનારમાં વિદ્યાર્થીઓ દ્વારા પણ પોતાના પ્રતિભાવો રજૂ કરાયા હતા. ઉપરાંત, વ્યુ ઓફ સ્પેસ રીસર્ચ જનરલનું પણ મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું.
કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોએ વાંસ આધારિત કલાત્મક ચીજવસ્તુઓ બનાવતી કોટવાડિયા સમાજની બહેનોના સ્ટોલની મુલાકાત લઈને હસ્તકલાની પ્રશંસા કરી પ્રોત્સાહિત કર્યા હતા.
આ તકે શ્રી.ર.ફ.દાબુ કેળવણી મંડળના પ્રમુખ હસુભાઈ ભક્ત, કોલેજના ઉપાચાર્ય વસંત ગામીત, વિવિધ કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.








