તાપી જિલ્લાના કુલ ૧૦૫૫ આંગણવાડી કેન્દ્રો પૈકી ૨૦૮ કેન્દ્રોમાં નવીનીકરણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રોને વધુ સુદ્રઢ, સુરક્ષિત અને આધુનિક બનાવવા માટે સમગ્ર રાજ્યમાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ હાથ ધરવામાં આવી છે. તાપી જિલ્લામાં આ ઝુંબેશને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. આગામી ૧૬ ફેબ્રુઆરી સુધી ચાલનારી આ ઝુંબેશનો મુખ્ય હેતુ બાળકોના સર્વાંગી વિકાસ, શ્રેષ્ઠ પોષણ અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ માટે સકારાત્મક વાતાવરણ પૂરું પાડવાનો છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ તથા કમિશ્નરના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાની કુલ ૧૦૫૫ આંગણવાડીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જે પૈકી ૮૫૫ આંગણવાડીઓ પોતાના સ્વતંત્ર મકાન ધરાવતી હોવાથી ત્યાં માળખાકીય સુધારાઓ વધુ અસરકારક રીતે થઈ રહ્યા છે.

આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ૨૦૮ કેન્દ્રોનું સમારકામ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે અન્ય ૨૯૬ કેન્દ્રોમાં આધુનિકીકરણની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. માત્ર ઈમારતો જ નહીં, પરંતુ બાળકોના ઉત્તમ સ્વાસ્થ્ય અને પોષણને પ્રાધાન્ય આપતા ૩૫૧ આંગણવાડી કેન્દ્રોમાં ‘પોષણ વાટિકા’ કાર્યરત કરવામાં આવી છે.

આ ઝુંબેશ અંતર્ગત આંગણવાડીઓને માત્ર મરામત પૂરતી સીમિત ન રાખતા તેને આકર્ષક રંગકામ, સ્વચ્છતા દ્વારા બાળકો માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરવાની સાથે ૩૫૧ આંગણવાડીઓમાં પૂર્વ-પ્રાથમિક શિક્ષણ માટે વિશેષ લર્નિંગ કોર્નર અને બાળકોને તાજી અને પૌષ્ટિક શાકભાજી મળી રહે તે માટે પોષણ વાટિકા બનાવવામાં આવી છે. શુદ્ધ પીવાનું પાણી, શૌચાલય અને પરિસરમાં પેવર બ્લોક જેવી પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

કુપોષણ મુક્ત તાપી અને સક્ષમ ભવિષ્યના નિર્માણના ઉમદા આશય સાથે પ્રારંભાયેલી આ ઝુંબેશનો મુખ્ય હેતુ છેવાડાના વિસ્તારના બાળકોને સુરક્ષિત, સુવિધાયુક્ત અને ભુલકાઓ સમજી શકે તેવી રીતે ગુણવત્તાયુક્ત શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડીને તેમના શિક્ષણ, સ્વાસ્થ્ય અને પોષણના સ્તરમાં નોંધપાત્ર સુધારો લાવવાનો છે. આ કામગીરીમાં સરકારી ગ્રાન્ટની સાથે CSR ફંડનો સકારાત્મક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલીયાના સીધા માર્ગદર્શન હેઠળ તાપીમાં નિયત સમયમર્યાદામાં વધુમાં વધુ આંગણવાડી કેન્દ્રોને સુદ્રઢ અને આધુનિક બનાવવા માટે તંત્ર દ્વારા સુદ્રઢ પ્રતિબદ્ધતા દાખવવામાં આવી રહી છે. છેવાડાના વિસ્તારના બાળકોને શુદ્ધ, સુરક્ષિત અને સુવિધાયુક્ત આંગણવાડી કેન્દોરની ભેટ આપી કુપોષણ મુક્ત તાપી તરફના પ્રયાસોને નવી દિશા અને ગતિ મળી રહી છે.

Leave a Comment

और पढ़ें