વ્યારા નગરના સર્વાંગી વિકાસ માટે આદિજાતિ વિકાસ મંત્રીશ્રીના હસ્તે રૂ. 25 કરોડના વિકાસ કામોની ભેટ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા

આદિજાતિ વિકાસ મંત્રી તથા તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે શનિવારે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ વ્યારા ખાતેથી વ્યારા નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત રૂ. 25.30 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કર્યું હતું. જેમાં રૂ. 12.56 કરોડના ખાતમુહૂર્ત અને રૂ. 12.74 કરોડના લોકાર્પણના કામોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વ્યારાના નાગરિકો માટે એકસાથે 35 જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને 13 જેટલા કામોનું લોકાર્પણ કરાયું છે. વ્યારા શહેર વિકાસના માર્ગે આગેકૂચ કરી ચુક્યુ છે જે નગરના સર્વાંગી વિકાસ માટે અતિ મહત્વપૂર્ણ છે. શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ અગાઉની સરખામણીમાં હવે અત્યંત સુવિધાસભર અને આકર્ષક બન્યો છે. વ્યારા નગર વિકાસના માર્ગે ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે, રાજ્ય સરકાર વ્યારાના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

મંત્રી નરેશભાઈ પટેલે રૂ. 12.56 કરોડના ખર્ચે નવા કામોનું ખાતમુહૂર્ત કર્યુ હતુ. જેમાં વોર્ડ નં. 1 થી 7 માં રૂ. 3.98 કરોડના ખર્ચે રોડ રિસર્ફેસિંગ, રૂ. 1.56 કરોડના ખર્ચે ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ અને પરિવહનની કામગીરી, તેમજ રૂ. 1.33 કરોડના ખર્ચે ઉકાઈ ડાબા કાંઠા નહેરથી વર્ધમાન માર્બલ સુધી રોડ સાઈડ બ્યુટીફિકેશનના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડમ્પિંગ સાઈટ પર વેસ્ટ મેનેજમેન્ટ, આંગણવાડી રિનોવેશન અને વરસાદી પાણીની પાઈપલાઈન જેવા જનહિતના કામોનું આયોજન કરવામાં આવ્યું છે.

લોકાર્પણ અંતર્ગત મંત્રીએ રૂ. 12.74 કરોડના પૂર્ણ થયેલા કામો જનતા માટે ખુલ્લા મૂક્યા હતા. જેમાં રૂ. 4 કરોડના ખર્ચે જલવાટિકા ગાર્ડનનું રિનોવેશન અને રૂ. 3 કરોડના ખર્ચે જોગિંગ ટ્રેક તથા લાઈટિંગ સાથે તળાવના પુનઃઉદ્ધારનું મહત્વનું કાર્ય સંપન્ન થયું છે. આ સાથે જ રૂ. 2.50 કરોડના ખર્ચે સુવિધાઓથી સજ્જ શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ અને વિવિધ રોડ સાઈડ બ્યુટીફિકેશનના કામોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનાથી શહેરની સુંદરતામાં વધારો થશે.

કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ શોર્ટ ફિલ્મ દ્વારા વ્યારા શહેરની વિકાસ યાત્રાની ઝલક નિહાળી હતી.

આ પ્રસંગે વ્યારા નગરપાલિકા પ્રમુખ રીતેશભાઈ ઉપાધ્યાય, ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવા, પ્રાંત અધિકારી સંદીપભાઈ ગાયકવાડ, ચીફ ઓફિસર વંદનાબેન ડોબરીયા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ, કોર્પોરેટરઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें