ગાંધીનગર

‘વંદે માતરમ’ ગીતની 150મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ 77મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહેશે; સ્વાધીનતાની લડાઈ માટે ખપી જનારા વીર સપૂતોને યાદ કરીને રાષ્ટ્રીય ચેતના જગાવતા ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામેલા ગુજરાતી રચનાકાર ઝવેરચંદ મેઘાણી રચિત ‘કસુંબીનો રંગ’ના તાલે જુસ્સો વધારતા કલાકારો ટેબ્લોને જોમવંતો બનાવશે
શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ પરથી ક્રાંતિ જ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તૈયાર કરેલા ‘વંદે માતરમ’ લિખિત ધ્વજની યશો ગાથાનું વર્ણન, ‘ચરખા’ના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનો સુભગ સમન્વય આ ટેબ્લોની અનોખી ભાત ઊભી કરે છે.











