વાલોડ વિકાસ શાહ

તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે રમતગમત રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને આર.વી.પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા બાજીપુરાના નવનિર્મિત શ્રીમતી મયુરીબેન કલ્પેશભાઈ પટેલ તથા શ્રીમતી ચંપાબેન સોમભાઈ પટેલ ભવનનું લોકાર્પણ અને દાતા સન્માન સમારોહ યોજાયો હતો. રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત, મુખ્ય દાતા કલ્પેશભાઈ પટેલ અને પટેલ પરિવારે તકતી અનાવરણ કરી સુવિધાસભર ભવનને વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મૂક્યો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રી ડૉ. ગામીતે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે વિશેષ ભાર મૂક્યો છે. તાપી જિલ્લામાં શિક્ષણની જ્યોતને પ્રજવલ્લિત બને અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ૫૦થી વધુ દાતાઓના ઉમદા અનુદાનથી નિર્મિત આ શૈક્ષણિક સંકુલ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના ઘડતરમાં બહુમૂલ્ય સાબિત થશે.
આ લોકાર્પણ પ્રસંગે જાણીતા લેખક જય વસાવડા, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી ગોવિંદ ગાંગોડા, બાજીપુરા કેળવણી મંડળના પ્રમુખ અશેષભાઈ ભક્ત, અગ્રણી સોમભાઈ પટેલ, દયારામભાઈ ભક્ત, સમીરભાઈ ભક્ત, ઠાકોરભાઈ પટેલ, વિવેકભાઈ પટેલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.












