વ્યારા ખાતે ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળા’ નો ભવ્ય પ્રારંભ કરાવતાં આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા વિકાસ શાહ

તાપી જિલ્લાના વ્યારા સ્થિત દક્ષિણાપથ વિદ્યાલય મેદાન ખાતે ‘વોકલ ફોર લોકલ’ અને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ થીમ આધારિત ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળા’નું રીબીન કાપીને પ્રારંભ કરાવતા રાજ્યના આદિજાતિ વિકાસ, કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલાઓના ઉત્થાનને પ્રાધાન્ય આપીને અમલીકૃત અનેક જન કલ્યાણકારી યોજનાઓ થકી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.

તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહેનોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરતા મંત્રી નરેશભાઈ પટેલે સખીમંડળની બહેનોને ઉત્પાદનોની ગુણવત્તા જાળવવા, આધુનિક બ્રાન્ડિંગ અપનાવવા અને સમય સાથે અપડેટ રહેવા અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

‘માનવ ગરિમા’ અને ‘વિશ્વકર્મા’ જેવી યોજનાઓને ગ્રામીણ બહેનો સાથે જોડીને તેમને આત્મનિર્ભર બનાવવા સરકાર મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ગ્રામીણ કલા-કૌશલ્યને યોગ્ય બજાર પૂરું પાડવા સરકાર કટિબદ્ધ છે. દેશ જ્યારે વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે નારી શક્તિનું આર્થિક સશક્તિકરણ જ દેશના વિકાસનો સાચો અને મજબૂત પાયો સાબિત થશે.

તા. ૨૦ થી ૨૨ ડિસેમ્બર સુધી ચાલનારા આ મેળામાં તાપી જિલ્લાના વિવિધ સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલા, ખાદ્ય ચીજવસ્તુઓ અને પ્રાકૃતિક ખેતી આધારિત ઉત્પાદનો, પરંપરાગત આભૂષણો અને ગૃહ સુશોભનની સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ માટે સ્ટોલ્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતાં. જેની પણ મંત્રીએ મુલાકાત લીધી હતી.

Leave a Comment

और पढ़ें