વિકાસ શાહ
માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી કુવરજીભાઈ હળપતિના હસ્તે સોનગઢ અને ઉકાઈ તાલુકાના ચાકળીયા, ઉખલદા અને આમલીપાડા ખાતેથી માર્ગ અને મકાન વિભાગ તાપી (પંચાયત) હેઠળના કુલ રૂ. 7.84 કરોડના માર્ગ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
લાંબા સમયથી બાકી રહેલી ગ્રામ્ય સુવિધાઓને ગતિ આપવા હેતુસર રૂ. 784.02 લાખના અનેક માર્ગોના વિકાસ માટે મંજૂરી આપવામાં આવી હતી. સાથે સાથે આમલીપાડા ખાતે નવ નિર્મિત ગ્રામ પંચાયત ભવનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય અને પૂર્વ આદીજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઇ હળપતિએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લોકોની જરૂરિયાતોને આધારે દરેક કામને પ્રાથમિકતા આપી મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ વિસ્તારના ગામોનો વિકાસ એ મારું મુખ્ય ધ્યેય છે.ગામના રસ્તા સારી રીતે વિકસશે તો વિકાસ સ્વયં આપણા ગામ સુધી પહોંચશે
અંતરિયાળ વિસ્તારમાં હાથ ધરાયેલા માર્ગ વિકાસ કાર્યો માં મહત્વપૂર્ણ રસ્તાઓની વાત કરીયે તો સોનગઢના ચાકળીયા દૂધ ડેરીથી કાટગઢ એમ.એન.એમ.ને જોડતો માર્ગ,અગાસવાણ કેલીયા રોડ, ઉકાઈ તાલુકાના ઉખલદા ગામે ઉતાણી ફળિયા થી ગાજણદેવી ફળિયાને જોડતો માર્ગ,ગુણસદા મારુતિ નગરથી આશ્રમ ફળિયા મારફતે સોનગઢને જોડતો માર્ગ,નાની ખેરવણ અપ્રોચ રોડ,આમલીપાડા અને આછલવા અપ્રોચ રોડ,ધજાંબા કોટરવાળી ફળિયા રોડ,મોટી ખેરવાણ ડુંગરી ફળિયા રોડ,બેડવાણ પ્રાથમિક શાળા ભેંસરોટ આમ આ તમામ રસ્તાના કામોનો કુલ ખર્ચ રૂ. 784.02 લાખ થશે.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ,સભ્ય, સરપંચઓ, સુમુલ ડેરીના ડિરેક્ટર,માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના અધિકારીઓ, આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.












