પલાશ પર્વ-૨૦૨૬ નો રમત રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે પ્રારંભ..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઉરછલ

ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે રમત ગમત રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે શનિવારે બે દિવસીય ‘પલાશ પર્વ-૨૦૨૬ : આદિવાસી સંસ્કૃતિ સંગમ’ ને ખુલ્લો મુકતા જણાવ્યું કે, પલાશ પર્વ આદિવાસી સમાજની પ્રકૃતિ પૂજા અને પરંપરાનું જીવંત પ્રતિક છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હરહંમેશ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આદિવાસી ઉત્કર્ષ માટે પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આપણા પૂર્વજોની પરંપરાને વડીલોએ અત્યાર સુધી જાળવી રાખી છે, પરંતુ હવે આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને આ સમૃદ્ધ વારસાને વિશ્વફલક સુધી પહોંચાડવાની જવાબદારી સમાજના પ્રત્યેક યુવાનની છે.

તેમણે આદિવાસી સંસ્કૃતિમાં હોળીના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, હોળી આપણો મુખ્ય તહેવાર છે અને પલાશ પર્વની ઉજવણી તેમાં ‘મોરપીંછ’ સમાન સાબિત થઈ છે. અંતમાં, તેમણે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના સંકલ્પ સાથે સૌને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ અને સંસ્કૃતિ-પ્રકૃતિના જતનમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ પરભુભાઈ વસાવાએ ઉમેર્યુ કે, વહીવટી તંત્ર દ્વારા આ વિરાસતને ઉજાગર કરવા અને આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા પલાશ પર્વનું આયોજન પરિણામલક્ષી પ્રયાસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી વિકાસની સુવિધાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે, જેના પરિણામે આદિવાસી સમાજ શિક્ષણ અને રોજગારમાં આત્મનિર્ભર બની રહ્યો છે.

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત પલાશ પર્વમાં વિવિધ ગૃપો તથા કલાકારો દ્વારા પલાશ પર્વ ૨૦૨૬ ની ઉજવણીમાં આદિવાસી સમાજની ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિ, પરંપરાગત સંગીત કલા અને પ્રાચીન વાદ્યકલાના સૂર રેલાયા હતા, જેમાં આદિવાસી વાદ્યોના તાલે કલાકારોએ મંત્રમુગ્ધ કરનારી પ્રસ્તુતિઓ કરી હતી.

આ સાથે જ આદિવાસી અસ્મિતાને ઉજાગર કરતા હોળી, ડાંગી, રાસ જેવા લોકનૃત્યો તથા સાંસ્કૃતિક ઝાંખીઓથી પ્રકૃતિ અને સંસ્કૃતિના આ અનોખા સંગમે પ્રક્ષકોને આદિવાસી જીવનશૈલીના ભવ્ય વારસાથી પરિચિત કર્યા હતા.

સ્થાનિક કલા-કસબ અને વાનગીઓને પ્રોત્સાહન આપવા માટે કુલ ૨૧ સ્ટોલ્સ કાર્યરત કરાયા છે. જેમાં સખીમંડળો દ્વારા ૨૦ જેટલા વિવિધ સ્ટોલ્સ ઊભા કરી મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે, જ્યારે આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા એક વિશેષ સ્ટોલ લગાવી પૌષ્ટિક આહાર અને સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ સ્ટોલ્સ થકી પ્રવાસીઓ આદિવાસી સંસ્કૃતિના પૌષ્ટિક ખોરાક અને હસ્તકલાથી પરિચિત થઈ રહ્યા છે.

જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, નિઝર પ્રાંત અધિકારી ઓમકાર શિંદે, TRI નિયામક ચંદુભાઈ ચૌધરી, જિલ્લા અગ્રણી સૂરજભાઈ વસાવા, નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડ, મામલતદાર જે. એ. જીવાણી, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, કલાકારો અને મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें