ઉકાઇ

ઉદઘાટન પ્રસંગે મંત્રી ડો. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ‘નીલ ક્રાંતિ’ દ્વારા માછીમારોની આર્થિક ઉન્નતિ માટે કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના આ દિશામાં મહત્વનું કદમ છે. અમૃતકાળ વિઝન ૨૦૪૭ ને ધ્યાને રાખી ગુજરાત સરકાર શિક્ષણ અને સંશોધન પર ભાર મૂકી રહી છે. ખાસ કરીને ઉકાઈ ડેમ વિસ્તારના જનજાતિ માછીમારોના સર્વાંગી વિકાસ માટે સરકાર વિશેષ પ્રોજેક્ટ્સ લાવશે. ભવિષ્યમાં રાજ્યમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ‘સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટી’ સ્થાપવા બાબતે પણ સરકાર સક્રિય વિચારણા કરી રહી છે.
આ રાષ્ટ્રીય પરિસંવાદમાં દેશના ૨૦ વિવિધ રાજ્યોમાંથી સહકાર ભારતીના આશરે ૧૮૦ જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તા. ૨૪ જાન્યુઆરીથી શરૂ થયેલા આ ત્રણ દિવસીય આયોજનમાં માછલી ઉછેરની આધુનિક પદ્ધતિઓ, મત્સ્ય પેદાશોમાંથી વાનગીઓનું નિર્માણ, પેકેજિંગ, માર્કેટિંગ અને FSSAI લાયસન્સ જેવી ટેકનિકલ બાબતો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
પરિસંવાદમાં મુખ્ય વક્તા તરીકે અર્બન કો-ઓપરેટિવ બેંક પ્રકોષ્ઠના અધ્યક્ષ ગૌતમભાઈ વ્યાસ, કામધેનુ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો. રોહિતભાઈ શાહ, અને CIFTના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. આશિષભાઈ ઝાએ મત્સ્ય ઉદ્યોગમાં રહેલી નિકાસની તકો વિશે માહિતી આપી હતી. માછલીની વાનગીઓ બનાવી તેનું વેચાણ કરવાથી સ્થાનિક સ્તરે રોજગારી વધશે તેવો સૂર વ્યક્ત થયો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંતીભાઈ કેવટ, સંગઠન પ્રમુખ જીવનભાઈ ગોલે અને તેમની ટીમ દ્વારા પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે. આજે અંતિમ દિવસ દરમિયાન વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ મત્સ્ય ઉત્પાદન અને નિકાસના મોડેલ પર વિસ્તૃત ચર્ચાઓ કરશે.










