સોનગઢ વિકાસ શાહ

તાપીના પ્રવાસ દરમિયાન રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે બુધવારે સોનગઢ તાલુકાના આંબા ગામે અંદાજિત રૂ. ૯૫ લાખના ખર્ચે આકાર પામનાર આંબા પ્રાથમિક શાળાના નવા ભવનનું ખાતમુહૂર્ત કર્યુ હતું.
મંત્રી જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે માત્ર પુસ્તકો જ નહીં, પણ સુવિધા સજ્જ ભૌતિક માળખું પણ તેટલું જ અનિવાર્ય છે. ગામડાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે શૈક્ષણિક સુવિધા પુરા પાડવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. આ તકે, અહીંના બાળકો પણ શિક્ષણ ક્ષેત્રે સારો દેખાવ કરીને તાપી જિલ્લાનું નામ રોશન કરે તેવી અભ્યર્થના મંત્રીએ વ્યક્ત કરી હતી.
વિદ્યાર્થીઓને ભણતર માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવાના આશયથી આ નવા ભવનમાં સુવિધાસભર ૫ નવા ઓરડાઓનું નિર્માણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, જિલ્લા અગ્રણી સુરજભાઈ વસાવા,મહેન્દ્રભાઈ કોંકણી તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








