તાપી સોનગઢ
સોનગઢ તાલુકાના બેડવાણ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ ગંભીર ગેરરીતિ થયાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે એક જ પ્લોટ પર યોજનાના બે અલગ-અલગ મકાનો મંજૂર કરીને એક જ પરિવારના બે સભ્યોને લાભ આપવામાં આવ્યો છે.નીચે નું ઘર ગામીત નાશવાન જમના અને ઉપરનું ઘર – મણીલાલ ભૂલાભાઈ ગામીતનું છે . વધુ ચોંકાવનારી બાબત એ છે કે બંને આવાસના તમામ હપ્તા પણ ચૂકવી દેવામાં આવ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.
યોજનાના નિયમો મુજબ લાભાર્થીની પાત્રતા, સ્થળનું નિરીક્ષણ અને તબક્કાવાર ચકાસણી બાદ જ હપ્તાની રકમ ચૂકવવાની હોય છે. ત્યારે એક જ પ્લોટ પર બે આવાસ કેવી રીતે મંજૂર થયા? શું સ્થળ ચકાસણી કરવામાં આવી હતી? અને જો કરવામાં આવી હતી તો આ ગેરરીતિ અધિકારીઓની નજર બહાર કેવી રીતે રહી? આવા અનેક સવાલો ઊભા થયા છે.
જો આક્ષેપો સાચા સાબિત થાય તો તે માત્ર સરકારી નિયમોના ધજાગરા જ નહીં, પરંતુ યોજના અમલીકરણમાં ગંભીર બેદરકારી અથવા સંભવિત મિલીભગત તરફ પણ ઈશારો કરે છે. સરકારની ગરીબ કલ્યાણકારી યોજનાઓમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી રહી છે.










