ઉકાઈ તાલુકાના વાઘનેરા ગામે રૂ.૬૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ મલ્ટી પર્પઝ સેન્ટરનું લોકાર્પણ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના વરદહસ્તે કરવામાં આવ્યું…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઉકાઈ

તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના વાઘનેરા ગામે પ્રધાનમંત્રી જનજાતિય આદિવાસી ન્યાય મહાઅભિયાન (PM-JANMAN) હેઠળ રૂ.૬૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ મલ્ટી પર્પઝ સેન્ટર (MPC)નું લોકાર્પણ ૧૫૭ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી PM-JANMAN જેવી યોજનાઓનો મુખ્ય હેતુ આદિવાસી અને આદિમ જૂથના લોકોને વિકાસની મુખ્ય ધારા સાથે જોડવાનો છે. સરકાર દ્વારા સમાજના છેવાડાના માનવી સુધી વિકાસના લાભ પહોંચે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વધાનેરા ગામે નિર્માણ પામેલ મલ્ટી પર્પઝ સેન્ટર ગામના યુવાનો અને ગ્રામજનો માટે ઉપયોગી સાબિત થશે. આ કેન્દ્રનો ઉપયોગ લાયબ્રેરી તેમજ વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે થઈ શકશે, જેના કારણે ગામના વિકાસને નવી દિશા મળશે.

ધારાસભ્યએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ગામડાઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે અને લોકોના હિત માટે વિવિધ વિકાસ કામો ઝડપી ગતિએ આગળ ધપાવી રહી છે.

આ લોકાર્પણ કાર્યક્રમ અંતે ગ્રામજનોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ તકે પ્રાયોજના વહીવટદાર જયંતસિંહ રાઠોર, જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ વસાવા, તાલુકા વિકાસ અધિકારી ઉકાઈ, સોનગઢ કારોબારી અધ્યક્ષ, સંગઠનના મહામંત્રી સહિત જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, હેલ્થ સેન્ટરના ડોક્ટરો,નર્સિંગ સ્ટાફ તેમજ વાઘનેરા ગામના સરપંચ આનંદીબેન ચૌધરી સહિત વિવિધ ગામોના સરપંચઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें