પી.એમ. કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત તાપી જિલ્લાના ૯૦,૭૬૭ ખેડૂતોને રૂ. ૧૯.૫૮ કરોડની સહાય ચુકવાશે…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા

વડાપ્રધાન દ્વારા ખેડૂતોની આવક વધારવા તથા ખેડૂત કુટુંબોને આર્થિક સહાયરૂપ થવા માટે “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના” તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૧૯થી અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂત કુટુંબોને દર વર્ષે રૂ. ૬,૦૦૦ની સહાય ત્રણ હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજનાના ૨૧ હપ્તા ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે.

આ યોજનાના ૨૨મા હપ્તાની સહાય તા. ૧૩ માર્ચ, ૨૦૨૬ના રોજ “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” તરીકે ઉજવી દેશવ્યાપી કાર્યક્રમ દ્વારા જારી કરવામાં આવશે. રાષ્ટ્રીય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ગુવાહાટી (આસામ) ખાતે યોજાશે, જ્યારે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાશે.

આ અવસરે તાપી જિલ્લામાં પણ તમામ તાલુકા મથકો પર કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં વ્યારા તાલુકામાં ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન, ડોલવણ તાલુકામાં સિવિલ સહકાર ભવન, કુકરમુંડા તાલુકામાં એ.પી.એમ.સી. માર્કેટ યાર્ડ હોલ, નિઝર તાલુકામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સોનગઢ-ઉકાઈ તાલુકામાં રંગ ઉપવન ભવન હોલ સોનગઢ , ઉચ્છલ તાલુકામાં સુમુલ ડેરી હોલ તેમજ વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે માળધારી હોલમાં બપોરે ૪.૦૦ વાગ્યે કાર્યક્રમો યોજાશે.
આ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના કુલ ૯૦,૭૬૭ ખેડૂત કુટુંબોને રૂ. ૧૯.૫૮ કરોડની સહાય ૨૨મા હપ્તા તરીકે વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલી જારી કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના સંબોધનનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવશે.

તાલુકા સ્તરે યોજાનારા કાર્યક્રમોમાં અંદાજિત ૧૦૦૦થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહેશે. ઉપરાંત મિલેટ્સ મેળો તથા વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવા માટે પ્રદર્શન સ્ટોલોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં સહભાગી થવા માટે તાપી જિલ્લા તંત્ર તથા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Comment

और पढ़ें