વ્યારા
તાપી જિલ્લામાં બાળ અધિકારોના સંરક્ષણ અને સામાજિક જાગૃતિ લાવવાના ઉમદા આશય સાથે સપ્તશૃંગી બહુઉદ્દેશીય મહિલા સંસ્થા ધુળે દ્વારા ‘બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત એક વિશેષ જાગૃતિ રથનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાનના ભાગરૂપે ૧૦૦ દિવસીય જાગૃતિ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે, જેની શરૂઆત ૨૬ જાન્યુઆરી ૨૦૨૬થી કરવામાં આવી હતી. સમાજમાં બાળ લગ્ન, બાળમજૂરી, બાળ તસ્કરી, બાળ શોષણ અંગે લોકોમાં વધુમાં વધુ જાગૃતતા વધે તેવા પ્રયાસો આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેને તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ બિરદાવવામાં આવી હતી.
નિવાસી અધિક કલેક્ટર આર.આર.બોરડ દ્વારા આ જાગૃતિ અભિયાનના તાપી જિલ્લા સેવાસદનના પરિસર ખાતેથી લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. જ્યાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુલોચનાબેન પટેલ, સંસ્થાના કો ઓર્ડિનેટર સહિત સંબંધિત વિભાગના કર્મચારીઓની ઉપસ્થિતિ વચ્ચે આ રથે પ્રસ્થાન કર્યુ હતુ.
સંસ્થાના જિલ્લા કો-ઓર્ડીનેટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ જાગૃતિ રથ દ્વારા છેવાડાના ગામો સુધી સંદેશ પહોંચાડવામાં આવશે, જેથી કોઈ પણ બાળક આવા કુરિવાજોનો ભોગ ન બને. આ અભિયાનમાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગનો સહયોગ મળ્યો છે. સૌએ સમાજમાં મોટા પાયે જાગૃતતા વધે તે માટે સૌના સાથ-સહકાર માટે સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી.








