વ્યારા

તાપી જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિબેન પટેલના અધ્યક્ષસ્થાને ગુરુવારે વ્યારા તાલુકા પંચાયત કચેરીના સભાખંડ ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત એક વિશેષ તાલીમ શિબિર યોજાઈ હતી.
ડીઆરડીએ ડાયરેક્ટર ખ્યાતિ પટેલ અને એસઆઈઆઈડી ગાંધીનગરના વિષય નિષ્ણાંત જીતેન્દ્રભાઈ પુરોહિત દ્વારા ગ્રામ્ય સ્તરે ઊભા કરવામાં આવેલા ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનનો મહત્તમ ઉપયોગ, જાળવણી તથા જનજાગૃતિના શુભ આશય સાથે આ બેઠકમાં તાલુકાના કર્મીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના જિલ્લા કો-ઓર્ડિનેટર નિતીનભાઈ ગામીત તથા માસ્ટર ટ્રેનર્સ દ્વારા વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલની પદ્ધતિઓ, ગંદા પાણીના શુદ્ધિકરણ માટેના સોકપીટ અને અન્ય બાંધકામોની જાળવણી વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી
ઉપસ્થિત તમામ તાલીમાર્થીઓએ પોતાના વિસ્તારમાં કચરા વ્યવસ્થાપનની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા અને સરકારની આ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ એક દિવસીય તાલીમમાં વ્યારા તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચઓ, તલાટી-કમ-મંત્રીઓ, પંચાયતના સભ્યઓ, સ્વચ્છતાગ્રહીઓ તેમજ ગ્રામ્ય અને તાલુકા કક્ષાના વહીવટી કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.








