વ્યારા

તાપી જિલ્લામાં વ્યારા શહેરમાં શુક્રવારે લોકજાગૃતિના ઉમદા આશય સાથે આરોગ્ય તંત્ર દ્વારા રક્તપિત્ત મુક્ત તાપીના સંકલ્પ સાથે એક વિશાળ રેલી યોજાઈ હતી.
અંદાજિત ૩૦૦ જેટલા નર્સિંગ વિદ્યાર્થીઓ, જિલ્લા હેલ્થ ઓફિસના ૫૦ જેટલા અધિકારીઓ તેમજ તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ અને DLO અધિકારીઓ, વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાઈને નગરજનોમાં રોગ સામે યોગ્ય સારવાર અને જાગૃતતા સંદેશ પ્રસરાવ્યો હતો.
આ રેલીને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મધુભાબેન ગામિત, શહેરના જાણીતા ત્વચારોગ નિષ્ણાત ડો. અંકિત ભારતી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવા, જિલ્લા લેપ્રસી અધિકારી ડો. જીગ્નેશ પટેલ, જિલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
રેલી પૂર્ણ થયે ડો.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સૌએ રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ સામૂહિક પ્રતિજ્ઞા કરી હતી. ઉપરાંત, મહાનુભાવો દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રેષ્ઠીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. અંદાજે ૨ કિલોમીટર લાંબી રેલી બસ સ્ટેશન અને APMC માર્કેટમાંથી પસાર થઈને લોકોને જાગૃત કર્યા હતા. રેલી દરમિયાન વિદ્યાર્થીઓ અને આરોગ્ય કર્મીઓએ ઉત્સાહપૂર્વક સૂત્રોચ્ચાર કરી વાતાવરણને જાગૃતિમય બનાવ્યું હતું.









