વ્યારા વિકાસ શાહ
ભારતના રાષ્ટ્રીય એકીકરણ ના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિની યાદમાં વ્યારા નગરમાં આયોજિત ભવ્ય ‘યુનિટી માર્ચ’ ની પૂર્વ સંધ્યાએ, ભારતીય કલા અને સંસ્કૃતિના માધ્યમથી રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવામાં આવ્યો. યુનિટી માર્ચના મુખ્ય માર્ગ પર કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘અખંડ ભારત’ની થીમ પરની એક વિશાળ રંગોળી સૌનું આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ રંગોળીમાં કેસરી રંગના મધ્યમાં ‘અખંડ ભારત’નો નકશો આબેહૂબ રીતે કંડારવામાં આવ્યો હતો, જેના પર દેવનાગરી લિપિમાં “અખંડ ભારત” શબ્દ અને ‘ૐ’ પ્રતીક સાથેનો ધ્વજ પણ દર્શાવવામાં આવ્યો હતો, જે ભારતની સનાતન સંસ્કૃતિ અને સાર્વભૌમત્વ ની ભાવનાને પ્રબળ બનાવે છે. આ કલાત્મક રજૂઆતનો હેતુ સરદાર પટેલે કરેલા ૫૬૨થી વધુ રજવાડાંઓના સફળ એકીકરણ ના મહાન કાર્યને બિરદાવવા નો અને વર્તમાન પેઢીને રાષ્ટ્રની અખંડિતતા જાળવી રાખવા માટે પ્રેરિત કરવાનો હતો. આ એકતા માર્ચમાં સ્થાનિક નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સરદાર સાહેબના આદર્શો પર ચાલવાનો સંકલ્પ લીધો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિની ભાવનાથી તરબોળ થયું હતું. આ પ્રકારના કાર્યક્રમો રાષ્ટ્રીય ગૌરવ અને એકતાની ભાવનાને દૃઢ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.










