વ્યારા
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર ખાતે તા. ૦૬ માર્ચ, ૨૦૨૬ના રોજ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી. આર. અહલાવતની પ્રેરણા અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ. આર. શર્મા તેમજ વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ “પોસ્ટ બજેટ વેબિનાર” કાર્યક્રમ તથા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાપી જિલ્લાના ૨૦૦થી વધુ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા વિડિયો કોન્ફરન્સ મારફતે આપવામાં આવેલા માર્ગદર્શનનું જીવંત પ્રસારણ ખેડુતોએ નિહાળ્યું હતું. જેમાં કૃષિ, પશુપાલન અને ડેરી, માછીમારી તેમજ ગ્રામિણ રોજગાર જેવા વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ યુનિયન બજેટ ૨૦૨૬-૨૭માં જાહેર થયેલી કૃષિ અને ગ્રામિણ વિકાસ સંબંધિત યોજનાઓના અમલીકરણ અંગે સરકાર, ઉદ્યોગ, નિષ્ણાતો અને ખેડૂતો વચ્ચે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ. આર. શર્માએ ખેડૂતોને કૃષિક્ષેત્રે ગ્રામિણ રોજગાર અંગે માર્ગદર્શન આપતાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ઉપલબ્ધ વિવિધ કૃષિ આધારિત વ્યવસાયોની તકો વિશે માહિતી આપી હતી.
વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડ્યાએ તાપી જિલ્લામાં પ્રવર્તમાન કૃષિ પદ્ધતિઓ અંગે માહિતી આપી અને તેના આધારે કૃષિ આધારિત વ્યવસાયો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મહિલા સશક્તિકરણના વિવિધ પાસાઓ અંગે જાગૃતિ લાવવાની પણ અપીલ કરી હતી. આ સાથે કુ. પ્રતિભા કોંકણી, ફાર્મ મેનેજરે “કૃષિક્ષેત્રે મહિલાઓનો ફાળો” વિષય પર માર્ગદર્શન આપતાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાંત્રિક માહિતી આપી હતી.
કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ કેવીકેના પશુવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. જે. બી. બુટાણી દ્વારા કરવામાં આવ્યું હતું.








