મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વ્યારા ખાતે રૂ. 2.16 કરોડની વેર યોજના વિભાગ-૨ કચેરીનું લોકાર્પણ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા

તાપી જિલ્લાની મુલાકાતે પધારેલા જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે સોમવારે વ્યારા ખાતે રૂ. 2.16 કરોડના ખર્ચે નવનિર્મિત કાર્યપાલક ઈજનેર, વેર યોજના વિભાગ-૨ ની કચેરીનું લોકાર્પણ કર્યું હતું. વેર યોજના વિભાગ – ૨ ની કચેરીનું લોકાર્પણ કર્યા બાદ મંત્રીએ કચેરીનું નિરીક્ષણ પણ કર્યું હતું.

આ સાથે મંત્રીના હસ્તે કપુરા ખાતે ઉકાઈ ડાબા કાંઠા મુખ્ય નહેરના આધુનિકરણ સહિત કુલ રૂ. 47.74 કરોડના સિંચાઈ વિકાસના 19 કામોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા. વધુમાં ઉકાઈ ડાબા કાંઠા મુખ્ય નહેરના 67.74 કિમી વિસ્તારના રૂ. 28.60 કરોડના ખર્ચે થનારા આધુનિકરણના કામો, રૂ. 9.63 કરોડના ખર્ચે 19 નહેરોના તથા રૂ. 9.46 કરોડના ખર્ચે 41 બોક્સ કલ્વર્ટના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, તાપી જિલ્લો ખેતી અને સિંચાઈની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો જિલ્લો છે. ઉકાઈ ડાબા કાંઠા મુખ્ય નહેર તેમજ તેની અંતર્ગત નહેરોના આધુનિકરણ અને બોક્સ કલ્વર્ટ જેવા વિકાસ કામોથી ખેડૂતોને સમયસર અને પૂરતું સિંચાઈનું પાણી ઉપલબ્ધ બનશે. રાજ્ય સરકાર દ્વારા જળસંપત્તિ અને પાણી પુરવઠાના માળખાને વધુ મજબૂત બનાવવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે ગ્રામિણ વિકાસ અને ખેતી ક્ષેત્રને નવી ગતિ મળશે.

વ્યારા અને વાલોડ વિસ્તારની વી.આર.બી. તેમજ વિવિધ સબ-માઈનર કેનાલોના રિનોવેશનના કામો હાથ ધરવામાં આવશે. ઉપરાંત સુરાલી, છીરમા, માણેકપોર અને બાજીપુરા સહિતના માઈનર કેનાલોના આધુનિકીકરણ સાથે નવા જોડાણોના માધ્યમથી પાણી વહન ક્ષમતામાં વધારો કરાશે. આ કામો પૂર્ણ થતાં કેનાલોમાં પાણીનો વ્યય ઘટશે અને છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચાડવું સરળ બનશે. આ વિકાસ કામોથી અંદાજિત 1632 હેક્ટર વિસ્તારના ખેડૂતોને સીધો લાભ મળશે.

આ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવા, ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, વેર યોજના વિભાગ-૨ના કાર્યપાલક ઈજનેર કે. આર. પટેલ, તેમજ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Comment

और पढ़ें