રાજપીપલા
નર્મદા જિલ્લાની ભારતીય જનતા પાર્ટીના સંગઠનની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ નિલકુમાર રાવના માર્ગદર્શન અને પ્રદેશ નેતૃત્વની મંજૂરી સાથે જાહેર થયેલી આ નવી સંગઠન રચનાને લઈને જિલ્લા ભરના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે.
નવી ટીમમાં જિલ્લા સંગઠનના વિવિધ હોદ્દાઓ ઉપરાંત ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી કોષ અધ્યક્ષ સંયોજક મંત્રી સોશિયલ મીડિયા વિભાગ યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો, બક્ષીપંચ મોરચો તેમજ અનુસૂચિત જાતિ મોરચાના અનુસૂચિત જનજાતિ મોરચો લઘુમતી મોરચો હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. અનુભવી કાર્યકરો સાથે નવા ચહેરાઓને પણ જવાબદારી સોંપવામાં આવતા સંગઠનમાં નવી ઉર્જાનો સંચાર થયો હોવાનું કાર્યકરો જણાવી રહ્યા છે.
સંગઠનની આ નવી રચનાથી નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બનશે અને સરકારની જન કલ્યાણકારી યોજનાઓને અંતિમ માણસ સુધી પહોંચાડવામાં સંગઠન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
નવી ટીમ જાહેર થતાં અનેક કાર્યકરો દ્વારા એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને સંગઠનના વરિષ્ઠ નેતૃત્વ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવનારા સમયમાં નર્મદા જિલ્લામાં સંગઠનાત્મક પ્રવૃત્તિઓ વધુ ગતિશીલ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.











