તાપી વ્યારા
તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા વિસ્તાર તથા તાપી જિલ્લાની જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકોમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર.બોરડે કેટલાંક પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.
જાહેરનામા મુજબ, તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારમાં આવેલા તમામ ડાક બંગલાઓ, સરકારી, અર્ધસરકારી આરામગૃહો, વિશ્રામગૃહો, ફોરેસ્ટ ગેસ્ટહાઉસ તથા જાહેર સ્થળોએ હોય તેવા તમામ ગૃહો કે સ્થળોનો રાજકીય પક્ષોના હોદ્દેદારો, કાર્યકરો ચૂંટણી લડતા ઉમેદવારો કે તેમના એજન્ટોને રાજકીય હેતુસર અથવા ચૂંટણી વિષયક પ્રચારના હેતુસર ઉપયોગ કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટીંગને પણ મંજુરી આપી શકાશે નહીં.
ચૂંટણી પ્રચારમાં આવેલા જે મહાનુભાવોને સરકારી વિશ્રામગૃહ, અતિથિ ગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવામાં આવી હોય તે મહાનુભાવોને લાવવા લઈ જતા વાહનને જ સરકારી વિશ્રામગૃહ-અતિથિ ગૃહ વગેરેના કમ્પાઉન્ડમાં રાખવાની પરવાનગી આપી શકાશે. જો તેઓ એક કરતા વધારે વાહનોનો ઉપયોગ કરતા હોય તો તેઓ બેથી વધુ વાહનોને વિશ્રામગૃહ-અતિથિ ગૃહ વગેરેના કમ્પાઉન્ડમાં રાખી શકાશે નહી.
કોઈ એક જ વ્યક્તિને ૪૮ કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહી તેમજ ચૂંટણી પ્રચાર માટે આવતા કોઈપણ મહાનુભાવોને મતદાન પુરુ થવાના 48 કલાક પહેલા વિશ્રામગૃહ, અતિથિ ગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે નહી. તથા અતિથિ ગૃહોમાં રહેવાની વ્યવસ્થા પુરી પાડવામાં આવી હશે તો તેઓની પાસેથી નક્કી કરેલ સામાન્ય દરોએ પુરેપુરી વસુલાત લેવાની રહેશે.
આ જાહેરનામાનો અમલ તા.૩૦.૦૪.૨૦૨૬ સુધી કરવાનો રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.







