સોનગઢ વિકાસ શાહ
તાપી જિલ્લાના સોનગઢ તાલુકા સ્થિત દેવલપાડાની માધવ આશ્રમશાળા ખાતે રવિવારે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ તથા જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ તેમજ દાતા જનકભાઈ મરોલીયા અને શ્રીમતી મરોલીયાના હસ્તે અંદાજિત રૂ. ૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ શ્રીમતી શારદાબેન શાંતિલાલ મરોલીયા કુમાર છાત્રાલય ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રમત રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે વિશેષ ભાર આપ્યો છે. રાજ્ય સરકારે પણ સમાજના પ્રત્યેક બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુવિધા મળે તે માટે પરિણામલક્ષી કામગીરી કરી છે, ત્યારે અહીં વર્ષ ૧૯૮૫ થી પ્રારંભાયેલી આશ્રમ શાળામાં સરકારની સાથે દાતાઓશ્રી દ્વારા જેવી રીતે અનુદાન આપીને શૈક્ષણિક સુવિધા ઉભી કરાઈ છે તે બદલ મંત્રીશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.
રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, સરકારે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસની હરહંમેશ ચિંતા કરી છે. દાતાઓએ પણ બહાર વિદેશોમાં હોવા છતાં અહીંના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે સરકારને જે સહકાર આપી રહ્યાં છે તે પ્રસંશનીય છે.
સેવા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ નવસારી દ્વારા નિર્માણ થયેલ આ કુમાર છાત્રાલય ભવન સેવાભાવી દાતાઓના ઉદાર દાનથી કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન દાતાઓના યોગદાનને ભાવપૂર્વક બિરદાવવામાં આવ્યું હતું. તેમજ તેમની સેવા ભાવનાને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયે મહાનુભાવોએ જયશ્રી દેવલીમાડીના ભાવપૂર્વક દર્શન કર્યા હતા.
આ અવસરે પૂર્વ રાજ્યમંત્રી કાંતિભાઈ ગામીત, સુરજભાઈ વસાવા, અગ્રણી વસંતભાઈ ગામીત, નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, દાતા સર્વશ્રીઓ રણછોડભાઈ દેત્રોજા, સેવા પ્રતિષ્ઠાન ટ્રસ્ટના ટ્રસ્ટી કાંતિ પરચોટિયા, અગ્રણી યોગેશભાઈ પટેલ, જીગ્નેશભાઈ દેસાઈ, પરેશભાઈ રાઠોડ, દેવકરણભાઈ આદ્રોજા, ચંદુભાઈ ગડારા, અન્ય મહાનુભાવો, આશ્રમશાળાના સંચાલકો, અન્ય દાતાશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ
, સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.







