ડાંગ સાપુતારા

સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નવોદય વિદ્યાલય સમિતિની નેશનલ એથ્લેટિક્સ મીટ –૨૦૨૬-૨૭નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અમદાવાદ પ્રાદેશિક કચેરી દ્વારા આયોજિત અને PM શ્રી જવાહર નવોદય વિદ્યાલય સાપુતારા દ્વારા યજમાન તરીકે યોજાઈ રહેલી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા તા. ૧ થી ૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ રહી છે.
સ્પર્ધાના પ્રારંભ પ્રસંગે ખેલાડીઓ દ્વારા એસેમ્બલી, માર્ચપાસ્ટ, ટોર્ચનું આગમન અને ખેલાડીઓની પ્રતિજ્ઞા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ સાથે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા આવેલા ખેલાડીઓમાં રમતગમતની ભાવના, શિસ્ત અને નિયમોનું પાલન કરવાની પ્રતિબદ્ધતા જોવા મળી હતી.
આ નેશનલ એથ્લેટિક્સ મીટમાં દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા જવાહર નવોદય વિદ્યાલયોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધામાં અમદાવાદ, પુણે, જયપુર, ચંદીગઢ, ભોપાલ, શિલોંગ, લખનઉ, હૈદરાબાદ, ભુવનેશ્વર અને પટણા સહિત કુલ ૧૦ રિજનલ ટીમો ભાગ લઈ રહી છે. અંડર-૧૪ માં ૧૪૮, અંડર-૧૭ માં ૨૯૫ અને અંડર-૧૯ માં ૨૮૫ મળી કુલ ૭૨૮ ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.
ચાર દિવસ દરમિયાન ટ્રેક એન્ડ ફિલ્ડની વિવિધ સ્પર્ધાઓ યોજાશે. જેમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર, ૮૦૦ મીટર, ૧૫૦૦ મીટર, ૩૦૦૦ મીટર, હર્ડલ્સ, રિલે, લોંગ જમ્પ, હાઈ જમ્પ, ટ્રિપલ જમ્પ, પોલ વોલ્ટ, શોટપુટ, ડિસ્કસ થ્રો, જેવેલિન થ્રો, હેમર થ્રો તેમજ ક્રોસ કન્ટ્રી અને વોક જેવી વિવિધ એથ્લેટિક્સ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવીને રમતગમત ક્ષેત્રે પ્રતિભા, શિસ્ત, મહેનત અને રમતગમતની ભાવનાનું મહત્વ સમજાવ્યું હતું. રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધા સાપુતારા જેવા કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ સ્થળે યોજાઈ રહી હોવાથી ડાંગ માટે પણ ગૌરવની બાબત બની છે તેમ શ્રી વિજયભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું.
સ્પર્ધાના સફળ આયોજન માટે જ્યુરી ઓફ અપીલ, ટેકનિકલ નિષ્ણાતો, રેફરી, જજ, ટાઈમકીપર્સ સહિતની વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, PM શ્રી જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય રામ પ્રસાદ તિવારી સહિતના અધિકારીઓ અને આયોજક ટીમ દ્વારા સ્પર્ધાના સુચારુ આયોજન માટે કામગીરી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય કક્ષાના આ રમતોત્સવથી દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા યુવા ખેલાડીઓને પોતાની રમત પ્રતિભા દર્શાવવા સાથે પરસ્પર મળવા અને રમતગમતની ભાવનાને વધુ મજબૂત બનાવવાની તક મળી રહી છે.
આ પ્રસંગે સાપુતારા નોડિફાઈડ એરિયા ચીફ ઓફિસર સુ. શ્રી કલ્પના ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદી, સાપુતારા હોટેલ એસોસિએશનના સેક્રેટરી તુકારામ કર્ડીલે, પીપી સ્વામી શ્રી માલેગામ, જીગરભાઈ ટેલર બ્રાન્ચ મેનેજર સામગાહન, રિતેશ ચૌધરી પ્રાચાર્ય JNV ભરૂચ, પંકજ ઝા પ્રાચાર્ય JNV છોટાઉદેપુર ,બિન્દ્રાવણ પ્રાચાર્ય EMRS સાપુતારા, જીતેશભાઇ બારીયા પી.એસ.આઈ સાપુતારા ,રોહન ભાઈ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર જિલ્લા ડાંગ ,અલ્કેશ ભાઈ પટેલ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર ડાંગ, ડો. જીગ્નેશ ટંડેલ પ્રોગ્રામ ડિરેક્ટર ,રામ પ્રસાદ તિવારી પ્રાચાર્ય JNV સાપુતારા ડાંગ , સહિત શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.









