તાપી વ્યારા

તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ શુક્રવારે વ્યારા તાલુકાના તાડકુવા ગામની મુલાકાત લઈને ગ્રામ પંચાયત કચેરી, સરકારી પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈ વહીવટી, શૈક્ષણિક અને લોકકલ્યાણના કાર્યોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
મુલાકાતના પ્રથમ તબક્કામાં કલેક્ટર દેવ ચૌધરી તાડકુવા ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પંચાયતના છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસના કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી.
ત્યારબાદ કલેક્ટરએ તાડકુવા સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. પ્રાથમિક શિક્ષણના પાયાને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી તેમણે વર્ગખંડમાં જઈને બાળકોના શૈક્ષણિક સ્તરનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરએ વિદ્યાર્થીઓની વાંચન શૈલી, ગણન (ગણિત) ક્ષમતા અને લેખન કૌશલ્યની જાતે ચકાસણી કરી હતી.
પોષણ અને બાળ કલ્યાણ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવા કલેક્ટર તાડકુવા આંગણવાડી કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે કેન્દ્રની સ્વચ્છતા અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓનું અવલોકન કર્યું હતું. ખાસ કરીને સરકારની મહત્વકાંક્ષી ‘દૂધ સંજીવની યોજના’ અંતર્ગત બાળકોને નિયમિત રીતે પૌષ્ટિક દૂધ અને અન્ય યોજનાકીય લાભો પૂરતા પ્રમાણમાં મળે છે કે કેમ તેની ઝીણવટભરી વિગતો મેળવી હતી.
આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ અત્યંત સંવેદનશીલતા દાખવી આંગણવાડીના નાના ભૂલકાઓ સાથે બેસીને સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો હતો, જેથી કેન્દ્રનું વાતાવરણ આનંદમય બની ગયું હતું.










