તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને આંગણવાડીના બાળકોના પોષણ અને આરોગ્યલક્ષી બાબતોની સમીક્ષા બેઠક યોજાઈ..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી વ્યારા

તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આંગણવાડી કેન્દ્રના બાળકોમાં ન્યુટ્રિશિયન સંબંધી અને આરોગ્યલક્ષી વિવિધ બાબતોની સમીક્ષા બેઠક યોજીને બાળકોના શિક્ષણની સાથે પોષણ અને આરોગ્ય માટે સામુહિક જવાબદારીઓ સુનિશ્ચિત કરી હતી.

કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં આઈ.સી.ડી.એસ. વિભાગ હેઠળ ૩ થી ૬ વર્ષના બાળકોના ગરમ નાસ્તા અને પોષણ સુધા યોજના અંતર્ગત માતાઓના પોષણસ્તરમાં સુધારો કરવા માટે પૌષ્ટિક વસ્તુઓ ઉમેરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ઉપરાંત, તમામ લાભાર્થી બાળકોના વજન-ઊંચાઈનું આરોગ્ય અને ICDS સ્ટાફ દ્વારા સંયુક્ત ક્રોસ વેરિફિકેશન કરવા, બાળકોનું મેડિકલ સ્ક્રિનિંગ કરવા તેમજ આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનોની સંયુક્ત મીટિંગ યોજી આયોજનબદ્ધ કામગીરી કરવા સૂચના અપાઈ હતી.

નોંધનીય છે કે, કલેક્ટર ચૌધરીએ બાળકોના પોષણ સ્તરમાં સુધારો કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સાથે મુક્તમને સંવાદ સાધીને તેમના પ્રતિભાવો જાણ્યા હતા. ઉપરાંત, વિષય નિષ્ણાંતોના હેલ્થ ટુટોરિયલ્સના માધ્યમથી બાળકોને અલગથી કેવી રીતે પોષકતત્વો પુરા પાડી શકાય તે અંગે માર્ગદર્શિત કર્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાએ આંગણવાડી સ્તરે આરોગ્ય અને આઈ.સી.ડી.એસ. વિભાગના પરસ્પર સંકલન પર ભાર મૂક્યો હતો. તેમણે બાળકોના નિયમિત વજન, ઊંચાઈની ચકાસણી અને ગ્રોથ ચાર્ટના મોનિટરિંગ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ સમીક્ષા બેઠકમાં આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવા, ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર્સઓ સહિત વિભાગના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें