વ્યારા

દર વર્ષે ૮ માર્ચે ઉજવાતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે સ્થિત ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી હોલમાં પદ્મશ્રી રમીલાબેન ગામીતના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે પદ્મશ્રી રમીલાબેન ગામીતે ઉપસ્થિત મહિલાઓને ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે મહિલાઓ સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મહિલાઓના સશક્તિકરણ વગર સમાજનો વિકાસ શક્ય નથી. આજે સરકાર દ્વારા મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત અને પગભર બનાવવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે, જેના લાભથી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે.
આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક નિકિતા શિરોયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે “એક પુરુષને ભણાવીએ તો માત્ર એક વ્યક્તિ ભણે છે, પરંતુ એક સ્ત્રીને ભણાવીએ ત્યારે સમગ્ર કુટુંબ ભણે છે.” મહિલાઓનું શિક્ષણ સમાજના વિકાસ માટે અત્યંત જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિ પટેલે દીકરીઓ અને મહિલાઓને મોટિવેશન તથા કરિયર અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આજના સમયમાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે. “એક સ્ત્રી બે કુળને તારે છે” એવો સંદેશ આપતા તેમણે નારી શક્તિનું સન્માન અને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓ તથા તેજસ્વી દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મહિલા અને બાલ વિકાસ વિભાગ હેઠળના વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ નિદર્શનનું પણ આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં વ્યારા નગરપાલિકાના પ્રમુખ રીતેષભાઈ ઉપાધ્યાય,વ્યારા પ્રાંત સંદીપ ગાયકવાડ,જિલ્લા મહિલાના અને બાલ વિકાસ વિભાગના અધિકારી સુલોચના પટેલ સહિત મહિલા પદાધિકારીઓ,અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.










