વ્યારા

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર તથા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી તાપી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત તાપી જિલ્લામાં તા. ૨૭ જાન્યુઆરીથી તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાત શાળા સલામતી સપ્તાહ-૨૦૨૬ની ઉજવણી અંતર્ગત પાંચ દિવસ દરમિયાન શાળાઓમાં પુર, વાવાઝોડું, આગ, ભૂકંપ સહિત વિવિધ આપત્તિઓ સમયે કરવાના તથા ન કરવાના પગલાં અંગે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કલેક્ટર તાપીના માર્ગદર્શન હેઠળ જિલ્લાની ૪૬ મોટી શાળાઓમાં ૧૦૮ ઇમરજન્સી સેવા ટીમ તથા ફાયર ટીમ દ્વારા મેગા ઇવેન્ટ ડેમોસ્ટ્રેશન તેમજ ૩૨ શાળાઓમાં પ્રાથમિક સારવાર અંગેની મૂળભૂત માહિતી અને ડેમોસ્ટ્રેશન દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કોઈપણ અકસ્માત કે તાત્કાલિક તબીબી પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સ પહોંચે ત્યાં સુધી શું કરવું તે અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાપી જિલ્લામાં શાળા સલામતી સપ્તાહ કાર્યક્રમનું સમગ્ર સંચાલન કલેક્ટર કચેરી, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જિલ્લા પ્રોજેક્ટ અધિકારી કે.કે. ગામીત તથા ૧૦૮ના જિલ્લા કો-ઓર્ડિનેટર ઓફિસર મંયક ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.








