ખોડતળાવ ખાતે ‘ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫’ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા વિકાસ શાહ

તાપી જિલ્લાની પ્રત્યેક નારીને સશક્ત કરવાના ઉમદા આશય સાથે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુલોચનાબેન પટેલના નેતૃત્વ હેઠળ વિભાગ દ્વારા મંગળવારે વ્યારા તાલુકાના ખોડતળાવ ગામે ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.

દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી ધર્મેશભાઇ વસાવા દ્વારા ઉપસ્થિત મહિલાઓને ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ની વિવિધ કલમો અને કાયદાકીય જોગવાઈઓ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના DHEW વિભાગના કર્મચારી જીગ્નેશભાઇ ગામીતે સરકાર દ્વારા ચાલતી વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના અને મહિલા સ્વાવલંબન જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપીને મહિલાઓને આત્મનિર્ભર બનવા પ્રેરિત કર્યા હતા.

સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક મીનાબેન પરમારે મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલી મહિલાઓ માટે ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટરની સેવાઓ, PBSC સેન્ટર અને VMK ની ભૂમિકા વિશે વિગતવાર જાણકારી આપી હતી. કાર્યક્રમના અંતે કચેરી દ્વારા વિવિધ યોજનાકીય માર્ગદર્શિકા (IEC) સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ખોડતળાવના સરપંચ નિંજાબેન ચૌધરી, મિશન મંગલમના ક્લસ્ટર કો-ઓર્ડિનેટર રીનાબેન, DHEW સ્ટાફ, OSC અને VMK સ્ટાફ સહિત ગ્રામીણ મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી.

Leave a Comment

और पढ़ें