સુરત
સુરત જિલ્લામાં ગુના આચરી નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત સુરત ગ્રામ્ય એલ.સી.બી. (Local Crime Branch) ટીમે કડોદરા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોબાઈલ ચોરીના ચાર અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના મુજબ તા. ૨૦/૦૭/૨૦૨૬ થી તા. ૩૧/૦૭/૨૦૨૬ દરમિયાન વોન્ટેડ આરોપીઓને ઝડપવા વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી છે. એલ.સી.બી. પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
એલ.સી.બી.ના પી.એસ.આઈ. એ.એન. ચૌહાણ અને તેમની ટીમ ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સ્ત્રોતો (હ્યુમન સોર્સીસ) દ્વારા તપાસમાં હતા. તે દરમિયાન અ.હે.કો. વિક્રમભાઈ સગરામભાઈ અને મહેશભાઈ ચંદુભાઈને ખાનગી રાહે મજબૂત બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી કામરેજ તાલુકાના આંબોલી ત્રણ રસ્તા પાસે ઊભો છે.
બાતમીના આધારે પોલીસે તુરંત સ્થળ પર પહોંચી આરોપીની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન તેણે કડોદરા GIDC પોલીસ મથકના મોબાઈલ ચોરીના 4 ગુનાઓમાં પોતે સંડોવાયેલો અને વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી.
પકડાયેલ આરોપી:
સોયેબ ઉર્ફે ભુંગરા હારૂન પઠાણ (ઉંમર: ૨૯ વર્ષ) રહે,બાપુનગર ફળિયું, ખોલવડ ગામ, તા. કામરેજ, જી. સુરત
આરોપીની અટકાયત સાથે કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૦૪(૨), ૫૪ મુજબના નીચે મુજબના ચાર ગુનાઓ ઉકેલાયા છે:
1. કડોદરા પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૪૦૨૩૨૬-૧૪૯૨/૨૦૨૬
2. કડોદરા પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૪૦૨૩૨૬-૧૪૯૪/૨૦૨૬
3. કડોદરા પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૪૦૨૩૨૬-૧૪૯૬/૨૦૨૬
4. કડોદરા પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૪૦૨૩૨૬-૧૪૯૭/૨૦૨૬








