તાપી વ્યારા
રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને જમીન દફતર સંબંધિત સેવાઓ વધુ ઝડપી, સરળ અને પારદર્શક રીતે ઉપલબ્ધ કરાવવાના હેતુથી તાપી જિલ્લામાં જમીન દફતર નિરીક્ષક (Inspector of Land Records–ILR) વર્ગ-૨ની ૮ નવી તાલુકા કક્ષાની કચેરીઓ કાર્યરત કરવામાં આવી છે.
જિલ્લા કક્ષાની જમીન દફતર સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ થતાં હવે નાગરિકોને સામાન્ય કામગીરી માટે જિલ્લા મથકે જવાની જરૂર રહેશે નહીં. તાલુકા સ્તરે જ સેવાઓ ઉપલબ્ધ બનતાં વહીવટી કામગીરીમાં ગતિ આવશે, પ્રશ્નોનો ઝડપી નિકાલ થશે તેમજ અરજદારોનો સમય અને ખર્ચ બંનેમાં નોંધપાત્ર બચત થશે.
આ નવી વ્યવસ્થા હેઠળ વ્યારા, ડોલવણ, વાલોડ, સોનગઢ, ઉકાઈ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકામાં જમીન દફતર નિરીક્ષક (ILR)ની કચેરીઓ શરૂ કરવામાં આવી છે. આ કચેરીઓ માંથી હવે જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ, સ્વામિત્વ સંબંધિત કામગીરી, જમીન રેકોર્ડ સહિતની વિવિધ સેવાઓ એક જ સ્થળેથી ઉપલબ્ધ બનશે.
અગાઉ પ્રોપર્ટી કાર્ડ માટે સિટી સર્વે કચેરી તથા જમીન માપણી માટે ડી.આઈ.એલ.આર. કચેરીનો અલગ-અલગ સંપર્ક કરવો પડતો હતો. નવી વ્યવસ્થાથી આ સેવાઓ તાલુકા કક્ષાએ જ ઉપલબ્ધ થતાં નાગરિકોને વધુ સુવિધા મળશે અને સેવા પ્રદાનની પ્રક્રિયા વધુ સરળ બનશે.
તાપી જિલ્લાના નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ, જમીન રેકોર્ડ તથા અન્ય જમીન દફતર સંબંધિત સેવાઓ માટે પોતાના તાલુકાની જમીન દફતર નિરીક્ષક (ILR) કચેરીનો સંપર્ક કરી સરકારની આ નવી સુવિધાનો લાભ લેવા સુપ્રિટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ કમ એકત્રીકરણ અધિકારી તાપી વ્યારાની અખબારી યાદીમાં દ્વારા જણાવ્યું છે.
તાલુકાવાર નવી કાર્યરત ILR કચેરીઓ :-
1. વ્યારા – જિલ્લા સેવા સદન, બ્લોક નં. ૬, બીજો માળ, પાનવાડી
2. ડોલવણ – તાલુકા સેવા સદન, ડોલવણ
3. વાલોડ – તાલુકા વિકાસ અધિકારી કચેરી, વાલોડ
4. સોનગઢ – તાલુકા સેવા સદન, સોનગઢ
5. ઉકાઈ – જૂનું જળ ભવન, મામલતદાર કચેરી, ઉકાઈ
6. ઉચ્છલ – તાલુકા સેવા સદન, ઉચ્છલ
7. નિઝર – તાલુકા સેવા સદન, નિઝર
8. કુકરમુંડા – તાલુકા સેવા સદન, કુકરમુંડા









