તાપી વ્યારા
તાપી જિલ્લામાં આગામી તારીખ ૨૧-૦૬-૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) – ૨૦૨૬ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય, પરીક્ષાનું સંચાલન સુચારૂ રીતે થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેવા આશય સાથે તાપીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર. આર. બોરડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામા મુજબ, પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરના ઘેરાવના વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર તેમજ કોઈપણ પ્રકારના હથિયાર, મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
આ ઉપરાંત, પરીક્ષાના સમય દરમિયાન કેન્દ્રોની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા કે તેના ઉપયોગ કરવા પર, તેમજ પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ અને ફેક્સ સેન્ટરો ચાલુ રાખવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.
પરીક્ષા કેન્દ્રમાં માત્ર પરીક્ષાર્થીઓ અને પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલા ફરજ પરના સત્તાવાર સ્ટાફ સિવાયની કોઈપણ અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર સખત પ્રતિબંધ રહેશે. આ જાહેરનામાના કોઈપણ નિયમનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાકીય જોગવાઈઓ હેઠળ શિક્ષાને પાત્ર થશે.









