વ્યારા
ભારત સરકાર દ્વારા પુરસ્કૃત અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ‘સખી’ વન સ્ટોપ સેન્ટર-તાપી, હિંસા પીડિત મહિલાઓને એક જ સ્થળેથી તમામ મદદ પૂરી પાડે છે. તાજેતરમાં આ કેન્દ્રની સતર્કતા અને વહીવટી કાર્યક્ષમતાના કારણે ૫ દિવસથી પરિવારથી વિખૂટી પડેલી ૧૯ વર્ષીય યુવતીનું તેના પરિવાર સાથે સુખદ મિલન થયું છે.
ગત તા. ૦૪/૦૩/૨૦૨૬ના રોજ વ્યારા પોલીસ સ્ટેશનની ૧૧૨ જનરક્ષક વાન દ્વારા રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન વ્યારા બસ સ્ટેન્ડ ખાતે એક યુવતી એકલવાઈ હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, લગ્નના માત્ર ચાર માસમાં જ સાસરિયા પક્ષ દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને આ યુવતી મહારાષ્ટ્રના જલગાંવથી નીકળી વ્યારા સુધી આવી પહોંચી હતી. યુવતીને તાત્કાલિક આશ્રય અને સુરક્ષાની જરૂર જણાતા તેને ‘સખી’ વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી.
કેન્દ્રના સંચાલક મધુબેન પરમાર દ્વારા યુવતીનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. યુવતી મરાઠી ભાષા બોલતી હોવાથી તે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના યાવલ તાલુકાના ચીંચોલી ગામની હોવાનું સ્પષ્ટ થયું હતું. કેન્દ્ર દ્વારા તાત્કાલિક યાવલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી યુવતીના પરિવારની વિગતો મેળવવામાં આવી હતી. જોકે, યુવતીના પતિ અને સાસરિયા પક્ષે તેને રાખવાની ના પાડતા, સેન્ટર દ્વારા તેના પિતા (રહે. સાકેગાંવ, ભુસાવલ) સાથે સંપર્ક સાધવામાં આવ્યો હતો.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુલોચનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ, યુવતીના પિતા અને મામાને વ્યારા ખાતે બોલાવવામાં આવ્યા હતા. તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી, તા. ૦૬/૦૩/૨૦૨૬ના રોજ યુવતીને તેના પરિવારને સોંપવામાં આવી હતી. ૫ દિવસ બાદ પોતાની દીકરી સાથે મિલન થતા પરિવારે ભાવુક થઈ ‘સખી’ વન સ્ટોપ સેન્ટર અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર કામગીરી જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુલોચનાબેન પટેલ તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ધર્મેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સંચાલક મધુબેન પરમાર અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.







