તાપી વ્યારા

તાપી જિલ્લા સેવા સદનના પટાંગણમાંથી જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરીએ જિલ્લા પંચાયત તાપીના ૧૫મા નાણાપંચ હેઠળ ૧ અને આયોજન મંડળની ગ્રાન્ટમાંથી ૪ એમ કુલ અંદાજિત રૂ. ૮૦ લાખના ખર્ચે નવી વસાવાયેલી પ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરીએ જણાવ્યું કે, તાપી જિલ્લાના ગ્રામીણ દર્દીઓ, સગર્ભા માતાઓ અને નવજાત બાળકોને કટોકટીની સ્થિતિમાં સમયસર હોસ્પિટલ પહોંચાડવા માટે આ નવીન એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ સાબિત થશે. સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટનો યોગ્ય સમન્વય કરીને લોકાભિમુખ સુવિધાઓ વધારવા માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. આ તકે શ્રીમતી ચૌધરીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ નવીન એમ્બ્યુલન્સ વાહનોને જિલ્લાના પૂર્વ નિર્ધારિત અંતરિયાળ અને જરૂરિયાતવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે કાર્યરત કરવામાં આવશે, જેથી સ્થાનિક સ્તરે રેફરલ સેવાઓનો વ્યાપ વધારી શકાય. આ લોકાર્પણ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના ડૉ. ભાર્ગવ દવે, QAMO ડૉ. કે.ટી. ચૌધરી સહિત જિલ્લા પંચાયતના સભ્યો, પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










