તાપી વ્યારા
તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને બુધવારે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો.
સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર ચૌધરીએ રૂબરૂ ઉપસ્થિત રહીને ૨૦થી વધુ અરજદારોની ફરિયાદો તેમજ રજૂઆતોને વ્યક્તિગત રીતે સાંભળી હતી અને તેનો ત્વરિત નિકાલ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ કાર્યક્રમ દરમિયાન અરજદારો દ્વારા મુખ્યત્વે માર્ગ, દબાણ, પાણીના નિકાલ અને આવાસ યોજનાને લગતી વિવિધ વહીવટી અને સ્થાનિક સમસ્યાઓ કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
પ્રજાના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવતાં કલેક્ટર દેવ ચૌધરીએ હાજર રહેલા સંબંધિત વિભાગના અધિકારીઓને તમામ રજૂઆતોનો સકારાત્મક, ઝડપી અને રચનાત્મક ઉકેલ લાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ વડા જે. એન. દેસાઈ, પ્રાયોજના વહીવટદાર, નિવાસી અધિક કલેકટર આર.આર.બોરડ સહિતના ઉચ્ચ અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.










