વ્યારા
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ સામાજિક પરિવર્તનનું પણ એક સબળ માધ્યમ બન્યું છે. તાપી જિલ્લામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની ભૂમિકા અત્યંત પ્રભાવશાળી સાબિત થઈ રહી છે. ફુડ બ્લોગિંગ, ફિટનેસ, પ્રવાસન અને પ્રોડક્ટ બ્રાન્ડિંગ જેવા વિષયોની સાથે-સાથે આ ઇન્ફ્લુએન્સર્સ સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને સિદ્ધિઓને જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિત ગામીત અને જેમિની ગામીતની વાત કરીએ તો, હાલ આ બંને યુવા પ્રતિભાઓએ કેમેરાની પાછળ રહીને જમીન સ્તર પર જરૂરિયાતમંદ પરિવારોની મદદ કરીને માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તાજેતરમાં જ તેમણે ધમોડી અને જુનવાણ ગામના વયોવૃદ્ધ નિરાધાર દાદા-દાદી અને તેમના દિવ્યાંગ પુત્રની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, કાનાદેવી અને કરંજવેલ ગામની એકલવાયું જીવન જીવતી ગંગાસ્વરૂપા બહેનોની વ્હારે આવી તેમને જરૂરિયાત મંદ પરિવારને તેલ, ચોખા, દાળ, ખાંડ, ચા અને મસાલા સહિતની આગામી ત્રણ મહિના સુધી ચાલે તેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડી છે.
સોશિયલ મીડિયા પર હજારો ફોલોઅર્સ ધરાવતા આ ઇન્ફ્લુએન્સર્સે માત્ર ડિજિટલ પ્લેટફોર્મ પર જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનમાં જરૂરિયાતમંદોના ચહેરા પર સ્મિત લાવીને સાચા અર્થમાં જિલ્લાના નાગરિકોની લાઈક્સ મેળવી.

છે.







