સુરત :
સુરત ગ્રામ્ય જિલ્લા સ્થાનિક ગુન્હા શોધક શાખા (LCB) એ માંગરોલ તાલુકામાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરનાર ગિરોહનો પર્દાફાશ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલ કોપર વાયર, વાહન અને રોકડ રકમ મળી કુલ ₹૨,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
માંગરોલ તાલુકાના નંદાવ અને વેલાછા ગામની સીમમાં આવેલ ‘રાયઝોન ગ્રીન એનર્જી’ ના સોલાર પ્લાન્ટમાંથી સોલાર પેનલમાં વપરાતા કોપર કેબલ વાયરોની ચોરી થઈ હતી. આરોપીઓએ કેબલ વાયરો ચોરી કરી, તેને સળગાવીને તેમાંથી કોપર (તાંબા) ના તાર છૂટા પાડ્યા હતા.
સુરત ગ્રામ્ય LCB ની ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે મોટી પારડી ગામના નિતેશ વસાવા અને તેના સાગરીતો ચોરી કરેલો કોપર તારનો જથ્થો પોતાની ઈકો કાર (નંબર: GJ-19-CA-0848) માં ભરી સાવા રોડ પર આવેલી શીતલ હોટલ નજીક વેચવા માટે ઊભા છે.
આ બાતમીના આધારે LCB ની ટીમે દરોડો પાડી સાવા પાટીયા પાસેથી ઈકો કાર અને બે મીણીયાના કોથળામાં ભરેલા ચોરીના કોપર તાર સાથે ૩ ઇસમોને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓ:
1. નિતેશભાઇ ફુલજીભાઇ વસાવા (ઉં.વ. ૨૮, રહે. મોટી પારડી, તા. માંગરોલ)
2. મેહુલભાઇ શંકરભાઇ વસાવા (ઉં.વ. ૨૫, રહે. મોટી પારડી, તા. માંગરોલ)
3. આકિલખાન શરીફખાન ફકીર (ઉં.વ. ૨૪, રહે. કુંવરદા, તા. માંગરોલ – ભંગારનો વેપારી)
વોન્ટેડ આરોપીઓ:
1. તુષાર મુકેશભાઇ વસાવા (રહે. મોટી પારડી, તા. માંગરોલ)
2. અરબાઝખાન શરીફખાન ફકીર (રહે. કુંવરદા, તા. માંગરોલ)
કબ્જે કરાયેલ મુદ્દામાલ (કુલ કિંમત ₹૨,૮૦,૦૦૦/-):
ચોરી કરેલ કોપર તાર: ૭૦ કિલોગ્રામ (કિંમત ₹૭૦,૦૦૦/-)
ઈકો ફોરવીલ કાર: ૧ નંગ (કિંમત ₹૧,૫૦,૦૦૦/-)
હીરો હોન્ડા પેશન મોટરસાયકલ (પાછળ લારી સાથે): ૧ નંગ (કિંમત ₹૩૦,૦૦૦/-
મોબાઈલ ફોન: ૩ નંગ (કિંમત ₹૧૫,૦૦૦/-)
રોકડ રકમ: ₹૧૫,૦૦૦/-
આ મામલે કોસંબા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.









