વ્યારા
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, તાપી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન “યુથ એસેમ્બલી કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમનો હેતુ ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓને લોકશાહી પ્રક્રિયા, ચૂંટણી વ્યવસ્થા અને નેતૃત્વ વિકાસ અંગે પ્રોત્સાહિત કરવાનો છે.
તાપી જિલ્લામાં ૧૭૦ –મહુવા (વાલોડ તાલુકો), ૧૭૧–વ્યારા અને ૧૭૨ – નિઝર વિધાનસભા મત વિસ્તારો માટે કક્ષાવાર સ્પર્ધાઓ યોજાશે. દરેક બેઠકમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતાઓ જિલ્લાકક્ષાએ ભાગ લેશે. જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલ ઉમેદવાર ગાંધીનગર/અમદાવાદ ખાતે યોજાનાર રાજ્યકક્ષા સ્પર્ધામાં તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
ઇચ્છુક ઉમેદવારોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નં. ૬, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, પાનવાડી, જિ. તાપી – ૩૯૪૬૫૨ ખાતે સંપર્ક કરી પ્રવેશપત્ર મેળવી ભરેલ અરજી તા. ૨૩/૦૨/૨૦૨૬ સુધી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી જમા કરાવવાની રહેશે.
યુથ એસેમ્બલી સ્પર્ધા ૨૪/૦૨/૨૦૨૬ના રોજ ૧૭૦ – મહુવા (વાલોડ તાલુકો) માટે ગાંધી વિદ્યાપીઠ, વેડછી તથા ૧૭૨ – નિઝર માટે સાર્વજનિક હાઈસ્કુલ, સોનગઢ ખાતે સ્પર્ધા યોજાશે. ૨૫/૦૨/૨૦૨૬ના રોજ ૧૭૧–વ્યારા માટે જિલ્લા રમત ગમત સંકુલ, વ્યારા ખાતે સ્પર્ધા યોજાશે. જિલ્લાકક્ષાની સ્પર્ધા ૨૭/૦૨/૨૦૨૬ના રોજ જિલ્લા રમત ગમત સંકુલ, વ્યારા ખાતે યોજાનાર છે. સ્પર્ધા માટે રિપોર્ટિંગ સમય સવારે ૯:૦૦ કલાકે અને સ્પર્ધા સમય સવારે ૧૦:૩૦ કલાકે રહેશે.
સ્પર્ધામાં ચૂંટણીમાં મતદાનનું મહત્વ, ક્લાઈમેટ ચેન્જ–પૃથ્વી માટે સૌથી મોટો ખતરો, AI – વરદાન કે અભિશાપ?, ફિટ ભારત, હિટ ભારત અને આત્મનિર્ભર ભારત: ભારતમાં બનાવો, વિશ્વ માટે બનાવો જેવા વિષયો સમાવિષ્ટ રહેશે. સ્પર્ધા ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં આપી શકાશે.
રાજ્યના ૧૮૨ વિધાનસભા મત વિસ્તારોમાં યુવાઓને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય બનાવવા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.જિલ્લા યુવા વિકાસ અધિકારી, તાપીની અખબારી યાદીમાં લાયકાત ધરાવતા યુવક-યુવતીઓને આ અવસરનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.









