કામરેજ માકણા પ્રિતેશ પટેલ
કામરેજ તાલુકાના માંકણા ગામે આવેલ શિવ સીટી અને શુભમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ફેલાવાતું પ્રદૂષણ:
જીપીસીબીની નોટિસ છતાં ગ્રામ પંચાયતની રહેમનજર હેઠળ ગેરરીતિનો આક્ષેપ
શિવ સીટી વિભાગ-૧ અને ૨ તેમજ શુભમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત રંગીન પાણીને કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોંકાવનારી વિગત એ છે કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા આ એકમોને ‘ક્લોઝિંગ નોટિસ’ આપવામાં આવી હોવા છતાં અને અધિકારીઓની વારંવારની મુલાકાત બાદ પણ પ્રદૂષિત પાણી છોડવાનું યથાવત છે.
મુખ્ય મુદ્દાઓ :
* નિયમોનું ઉલ્લંઘન: કંપનીઓ દ્વારા જાહેરમાં છોડવામાં આવતા કલરવાળા ગંદા પાણીને કારણે પર્યાવરણ અને સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે.
* પંચાયતની શંકાસ્પદ ભૂમિકા: ગ્રામ પંચાયત ભવનની બિલકુલ બાજુમાં આવેલી ગટર લાઈન માંથી જ આ દૂષિત પાણી વહી રહ્યું હોવા છતાં પંચાયત તંત્ર દ્વારા મૌન સેવવામાં આવી રહ્યું છે.
* સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ: ગ્રામ પંચાયત દ્વારા અગાઉ એક ઠરાવ કરી, નાણા પંચની ગ્રાન્ટમાંથી ખાનગી કંપનીઓનું પાણી બહાર કાઢવા માટે સુવિધા કરી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. નિયમ મુજબ ખાનગી કંપનીઓએ પોતાના વેસ્ટ વોટરના નિકાલની વ્યવસ્થા સ્વખર્ચે કરવાની હોય છે, તેના બદલે પ્રજાના ટેક્સના નાણાં (સરકારી ગ્રાન્ટ) ખાનગી એકમો પાછળ ખર્ચવા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સ્થાનિકોની માંગ:
ગ્રામજનોમાં એવી ચર્ચા છે કે શું પંચાયત ખાનગી કંપનીઓના હિત માટે કામ કરી રહી છે? સરકારી નાણાંનો આવો દુરુપયોગ કેટલો યોગ્ય છે? સ્થાનિકોની માંગ છે કે ઉચ્ચ કક્ષાએથી આ મામલે તપાસ કરવામાં આવે, જવાબદાર પંચાયત સભ્યો સામે પગલાં લેવાય અને પ્રદૂષણ ફેલાવતી કંપનીઓને તાત્કાલિક અસરથી કાયમી ધોરણે બંધ કરાવવામાં આવે.










